________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૨
એક રાત્રીને સમયે વંકચૂલ કોઈ વણિકને ઘરે ગયો, ત્યાં બાપ-દીકરો નામા સબંધી વાતચીત કરી રહ્યા હતા. ત્યાંથી તે કોઈ વેશ્યાને ત્યાં ગયો અને એ વેશ્યા કોઈ કોઢિયાની સાથે ભોગ ભોગવતી હતી. ત્યાંથી તે ત્યાંના રાજાના મહેલની ભીંત ફોડીને રાજાના અંત:પુરમાં પહોંચી ગયો. અંધારામાં રાણીના શરીરને તેનો હાથ લાગી ગયો. રાણી આ વંકચૂલને જોઈને જાગી ગઈ અને તેની સાથે ભોગ ભોગવવાની ઇચ્છા કરી, વંકચૂલને કહેવા લાગી, "પ્રિય ! મારી સાથે ભોગ ભોગવ. હું તને બહુ રત્નો તથા સંપત્તિ આપીશ." પણ વંકચૂલે રાણીને કહ્યું, તમો તો મારી માતા સમાન છો. આ સાંભળી વિરહની આગમાં જલી રહેલી રાણીએ અસત્ય આળ વંકચૂલ ઉપર મૂકી બૂમાબૂમ કરવા લાગી. આ સાંભળી રાજાના સેવકોએ આવી વંકચૂલને પકડી લીધો અને સવાર થતાં તેને રાજાજી સમક્ષ હાજર કર્યો. રાજાના પૂછવાથી વંકચૂલે રાત્રે બનેલી હકીક્ત કહી અને રાજાજીએ પણ રાત્રીને વિષે ભીંત પાછળ લપાઈને રાણી અને વંકચૂલ વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો હતો. તેથી તેણે છોડી મૂકવા હુકમ કર્યો અને વંકચૂલના સદગુણથી રંજીત થઈ તેને પોતાનો સામંત બનાવ્યો. રાજા પોતાની સ્ત્રીનાં કરતૂત જાણતો હતો પણ તે જાહેર ન ક્ય, કારણ કે તેથી પોતાની જ આબરૂ જવાનો સવાલ હતો. સુજ્ઞ મનુષ્ય પોતાના ઘરનું સ્વરૂપ કોઈને કહેતા નથી.
રાજાનો સામંત થયો તેથી અને રાજાના ઉપદેશથી વંકચૂલ પોતાનો ચોરીનો ધંધો છોડી સન્માર્ગે પ્રવર્તવા લાગ્યો.
એક વખત રાજ્યના આદેશથી કોઈ જબરા શત્રુ સાથે વંકચૂલ લડવા જતાં પોતાના ઉપર થયેલા પ્રહારોથી જખી થયેલા શરીરે પોતાના મહેલે આવ્યો. વૈદ્યો તેને ઔષધ વગેરે આપી શુશ્રુષા કરતા હતા, પણ પ્રહારની પીડા અસહ્ય થતી જતી હતી. રાજાને આ વંકચૂલની ઘણી ગરજ હતી, તેથી તેણે ગામમાં પડહ વજાવ્યો, કે જે કોઈ આ વંકચૂલને જીવાડશે તેને રાજા યથેચ્છ દાન આપશે." તે સાંભળી એક વૈધે આવી કાગડાનું માંસ ઔષધ તરીકે આપવા કહ્યું. વંકચૂલે કાગડાનું માંસ ન ખાવાનો અભિગ્રહ લીધેલ હતો એટલે તે કોઈ રીતે તે માંસ ખાવા સંમત ન થયો, તેથી રાજાએ ધર્મી જીવ જિનદાસ નામના એક શ્રાવકને બોલાવી વંકચૂલને સમજાવવા પ્રયત્ન કર્યો. જીનદાસે આવી વંકચૂલની ઇચ્છા જાણી. કોઈ રીતે પોતાનો અભિગ્રહ છોડે તેમ નથી તે જાણી જીનદાસે પણ તેની પ્રશંસા કરી કહ્યું, હે મિત્ર, તું એકલો જ છે, સર્વ પદારથો અનિત્ય છે, દેહ, કુટુંબ, યૌવન, સંસાર બધું અસાર છે." વગેરે ધાર્મિક વચનો સંભળાવ્યાં. તેથી વંકચૂલ પોતાનું મૃત્યુ નજીકમાં છે તેમ જાણી, ચાર શરણ આદરી, નવકાર મંત્રનું ધ્યાન ધરતો મૃત્યુ પામ્યો અને બારમા દેવલોકમાં ગયો અને કાળે કરી મોક્ષમાં જશે.