________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૮
શ્રી રહનેમિ
એક વાર ભગવાન નેમનાથ તેમના સાધુ સમુદાય સાથે વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર રહ્યા હતા. રહનેમિ કે જે સંસારીપણાના ભગવાન નેમનાથના નાના ભાઈ હતા. તેઓ ગોચરી વહોરી પ્રભુ પાસે આવતા હતા. તેવામાં અચાનક વૃષ્ટિ થઈ. તે વરસાદથી બચવા મુનિ રહનેમિ એક બાજુની ગુફામાં પેઠા. એ અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછાં ફરતાં હતાં. તેઓએ પણ અજાણતાં આ ગુફામાં જ પ્રવેશ કર્યો. તેમનાં વસ્ત્રો વરસાદથી ભીંજાયાં હતાં એટલે ગુફામાં થોડાં દૂર જઈ ભીંજાયેલાં વસ્ત્રો સૂકવવા માટે તેણે કાઢી નાખ્યાં. અપકાયજીવોની વિરાધનાની વ્યાકુળતાથી આછા અંધકારમાં પોતાની સમીપમાં જ રહેલા રહનેમિ મુનિને તેમણે જોયા નહીં, પણ ઝાંખા અજવાળામાં મુનિ વસ્ત્રવિહીન દશામાં રાજીમતીને જોઈ કામાતુર થયા. તેમણે રાજમતીને કહ્યું, હે ભદ્રે ! મેં પૂર્વે પણ તમારી આશા રાખી હતી અને હજુ કહું છું કે હમણાં ભોગનો અવસર છે. સ્વર ઉપરથી રહનેમિને ઓળખી, રાજીમતીએ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકી દીધું અને કહ્યું, કુલીન જનને આમ બોલવું કદી ઘટે નહીં. વળી તમો નેમજીના લઘુ બંધુ છો અને તેમના જ શિષ્ય થયા છો. છતાં તમને આવી દુર્બુદ્ધિ ક્યાંથી આવી? હું સર્વજ્ઞની શિષ્યા થઈને તમારી આ ઇચ્છા પૂરી કરીશ નહીં. આવી વાંછના માત્ર કરવાથી તમો ભવસાગરમાં પડશો. હું ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પુત્રી છું. તમે પણ ઉત્તમ કુળના પુરુષ છો. આપણે કોઈનીચ કુળમાં ઉત્પન્ન થયેલાં નથી કે જેથી અંગીકાર કરેલા સંયમનો ભંગ કરીએ. અનંધનકુળના સર્પ પણ વમન કરેલું પાછું ખાવા ઇચ્છતા નથી તે કરતાં અગ્નિમાં પેસવાનું પસંદ કરે છે. રહનેમિએ જુવાની ભોગવી લેવા અને ધર્મ તો બુઢાપામાં પણ થશે - એમ કહી પોતાની ઇચ્છા દોહરાવી પણ રાજીમતીજે એક ચારિત્રવાન સાધ્વીહતી તેણે રહનેમિને, ઉત્તમ મનુષ્ય ભવ મળ્યો છે અને આ ચારિત્ર લીધું છે, તો ભવસાગર તરી જવાના બદલે આ નર્કે જવા કેમ તૈયાર થયા છો? એમ પ્રતિબોધી રહનેમિને સમજાવ્યા. રહનેમિને સખ્ત પશ્ચાત્તાપ થયો અને સર્વ પ્રકારે ભોગની ઇચ્છા તજી દીધી. તેમણે રાજીમતીને વિનંતી કરી કે, મારું આ પાપ કોઈને જણાવશો નહીં. પણ રાજીમતીએ કહ્યું પ્રભુ સર્વજ્ઞ છે તે તો બધું જાણે જ છે. તેથી રહનેમિએ પ્રભુ નેમનાથ પાસે જઈ પોતાના દુશારિત્રની આલોચના કરી એક વર્ષ સુંદર તપશ્ચર્યા અને ચારિત્ર પાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા.