________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૩
શ્રી ત્રિપુષ્ટ વાસુદેવ
ત્રિપૃષ્ટ વાસુદેવ અંત:પુરની સ્ત્રીઓ સાથે સુખે વિલાસ કરતા હતા. એક દિવસ કેટલાક ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગોથી મધુર ગાયન કરી, ત્રિપૃષ્ટ વાસુદેવનું હૃદય હરી લીધું. રાત્રીના સમયે આ ગવૈયાઓ પોતાનું મધુર ગાન ગાતા હતા. શ્રી ત્રિપૃષ્ટ વાસુદેવે વાચ પ્રમાણે આવેલા પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે, “જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતાં બંધ કરીને તેમને વિદાય કરી દેજે." થોડી વારે ત્રિપૃષ્ટ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી, પણ શય્યાપાલકે સંગીત સાંભળવાના લોભથી તે ગવૈયાનું સંગીત બંધ કરાવ્યું નહીં. આ પ્રમાણે ગાયનમાં જ રાત્રિનો કેટલોક સમય પસાર થઈ ગયો એટલે ત્રિપૃષ્ટ વાસુદેવની નિદ્રા તૂટી ગઈ. તે વખતે ગાયકોનું ગાન ચાલુ હતું, તે સાંભળી તે વિસ્મય પામ્યા. તત્કાળ તેમણે શય્યાપાલકને પૂછ્યું "આ ગવૈયાઓને તેં હજુ સુધી કેમ વિદાય કર્યા નહીં ?” શય્યાપાલકે કહ્યું, "હે પ્રભુ ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય ન કરી શક્યો, અને આપના હુકમનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ સાંભળતાં જ વાસુદેવને કોપ ઉત્પન્ન થયો, પણ તે વખતે તો તેને ગોપવી રાખ્યો. પરંતુ પ્રાત:કાળ થતાં તેઓ પોતાના સિંહાસન પર આરૂઢ થયા તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શય્યાપાલકને બોલાવી, વાસુદેવે સેવક પુરુષોને આજ્ઞા કરી કે, “આ ગાયનની પ્રીતિવાળા પુરુષના કાનમાં તપેલું સીસું અને ત્રાંબુ રેડો, કારણ કે એ કાનનો જ દોષ છે." તેઓએ શય્યાપાલકને એકાંતમાં લઈ જઈ તેના કાનમાં અતિશય ગરમ કરેલ સીસું રેડ્યું. આ ભયંકર વેદનાથી શય્યાપાલક તરત જ મરણ પામ્યો અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું. આવાં ઘણાં પાપ કર્મો અને ક્રૂર અધ્યવસાયથી સમકિત રૂપ આભૂષણને નાશ પમાડનાર એવો ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું પાપ બાંધી પોતાનું આયુષ્ય પૂરું થર્તા સાતમી નરક ભૂમિમાં ગયો.
૨૪.
આ ત્રિપુષ્ટ વાસુદેવનો આત્મા કાળે કરી ત્રિશલા કુખે જન્મ્યા અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા અને શય્યાપાલકનો જીવ આ કાળમાં ગોવાળ થયો. એકદા પ્રભુ મહાવીર કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા ત્યાં આ ગોવાળે પોતાના બળદોને ત્યાં મૂકીને ગાયો દોવા ગયો. બળદો ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા.