________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૭
શ્રી સિંહ અણગાર
મહાવીર પ્રભુના એક દ્રઢ અનુરાગી શિષ્ય સિંહ અણગાર. એકાંત નિર્જન અરણ્યમાં એક ઘટાદાર વટ વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં બે પુરુષો ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેની વાત કરી રહ્યા હતા.
–
૨૬.
એક પુરુષ કહેતો હતો - ગોશાળાએ તેજોલેશ્યા ભગવાન ઉપર મૂકી ત્યારે ત્યાં હતા તે સમર્થ શિષ્યો કેમ ગોશાળાને રોકી ન શક્યા ?
બીજાએ જવાબ આપ્યો, ભગવાનની આજ્ઞા હતી કે બધાએ ગોશાળાથી અળગા રહેવું છતાં તેજોલેશ્યા મૂકી તે સમયે પરમાત્મા ઉપર પરમ પ્રીતિવાળા બે અણગાર સુનક્ષત્ર તથા સર્વાનુભૂતિ ઝાલ્યા ન રહ્યા અને ગોશાળાને અટકાવવા વચ્ચે કૂદી પડ્યા પણ ગોશાળાએ છોડેલી તેજોલેશ્યાથી બન્ને જીવતા સળગી મોતને ભેટ્યા.
અરરર.... ઘોર હત્યા...
એ પાપી દિવસે આ બન્ને પુરુષો શ્રીવસ્તિ નગરીમાં હતા કે જ્યારે મિશ્રાદ્વેષી ગોશાળાએ મહાવીર પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી હતી. પણ તેજોલેશ્મા પરમાત્માના દેહમાં પ્રવેશ કરવા સમર્થ ન હતી. ભગવાનને પ્રદક્ષિણા દઈને સીધી જ ગોશાળાના દેહમાં વ્યાપી ગઈ.
પણ આ તેજોલેશ્યાની ગરમીથી ભગવાનના અંગેઅંગમાં બળતરા થતી હતી. ભગવાનની રૂપ સંપત્તિ સહેજ ઝંખવાઈ ગઈ હતી. બધા ભક્તગણ આ આફતથી બેબાકળા બની ગયા હતા.
આ વાર્તાલાપ સિંહ અણગાર વટવૃક્ષની પાછળ ધ્યાન ધરતા હતા તે સાંભળે છે. તેમને આ ભયંકર વાતની ખબર ન હતી. પણ આ વાત સાંભળી તેમના હૈયામાં અપાર વેદના જાગી. તેમની કલ્પનાશક્તિથી પરમાત્માના રોગગ્રસ્ત દેહને જોયો. તે કંપી ઊઠ્યા - મારા નાથ .. ! તમારા દેહમાં આટલી બધી પીડા ? સિંહ અણગારની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. થોડી વાર વળી બીજા બે વટેમાર્ગુઓ એ જ વટવૃક્ષ નીચે આવી બેઠા. બેમાંથી એક વૃદ્ધ અને એક બાળક હતા. બન્ને કદાચ પિતા-પુત્ર હોય.