________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] પર
તો તે વખતે જે મુનિને વરી છું તે જ મારો વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પણ આપેલ છે. તે દ્રવ્ય તમોએ લીધેલ છે, એટલે તમો પણ તેમાં સંમત થયા છો. માટે તે મુનિવર સિવાય અન્ય કોઈ વર મને માન્ય નથી. તમે નથી જાણતા કે, રાજાઓ એક જ વાર બોલે, મુનિઓ એક જ વાર વદે. અને કન્યા પણ એક જ વાર અપાય.
શેઠે કહ્યું કે, "હે પુત્રી, હવે તે મુનિ શી રીતે મળે ? કેમ કે તે તો વિહાર કરી ગયા. તેઓ એક સ્થાનકે તો રહેતા નથી. તે મુનિ પાછા અહીં આવશે કે નહીં ? કદી આવશે તો તે શી રીતે ઓળખાશે ?
શ્રીમતીએ જવાબ આપ્યો કે, તે વખતે દેવતાઓની ગર્જનાથી હું બહુ ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમનાં ચરણને પકડી રહી હતી. તે વખતે તેમનાં ચરણમાં મેં એક ચિહ્ન જોયું હતું. તે ચિહ્ન ઉપરથી હું તેમને જરૂર ઓળખી શકું. માટે હે પિતા ! તમો એવી ગોઠવણ કરો કે જેથી અત્રે આવતા - જતા બધા સાધુઓને હું પ્રતિદિન જોઈ શકું. આથી શેઠે પુત્રી માટે દરેક સાધુ રોજ આવે તેને સ્વયં દરરોજ ભિક્ષા આપે એવી વ્યવસ્થા કરી. ભિક્ષા આપતાં શ્રીમતી તેઓને વંદન કરતાં. તેમનાં ચરણ પરનાં ચિહ્ન જોતી. આમ કરતાં બાર વર્ષે આર્દ્રમુનિ ત્યાં આવી ચડયા. શ્રીમતીએ વંદના કરી, પગ ઉપરનું ચિહ્ન જોઈ તરત ઓળખી લીધા. અને તેમને વળગી પડી અને બોલી, “હે નાથ ! તે દેવાલયમાં હું તમને વરી હતી. તમે જ મારા પતિ છો. તે દિવસે તો મને તજીને ચાલ્યા ગયા પણ આજે નહીં જઈ શકો. અને જો ક્રૂરતાથી મારી અવજ્ઞા કરી જતા રહેશો તો હું અગ્નિમાં પડીશ ને તમને સ્ત્રીહત્યાનું પાપ આપીશ."
મુનિને વ્રત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્યવાણી થઈ હતી તે યાદ આવી : “કદી ભાવિ મિથ્યા થુતં નથી." એમ માની શ્રીમતીને પરણ્યા.
આર્દ્રકુમારને શ્રીમતીની સાથે ભોગ ભોગવવાથી એક પુત્ર થયો. તે થોડો મોટો થતાં કાલુધેલું બોલવા લાગ્યો. હવે પુત્ર મોટો થયો છે તેથી આર્દ્રકુમારે દીક્ષા લેવાની ભાવના શ્રીમતી આગળ કરી. બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવા માટે રૂની પૂણી સાથે રેંટિયો કાંતવા લાગી. જયારે તે કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈને પૂછ્યું કે, 'હે મા ! સાધારણ માણસો કરે એવું કામ તું કેમ કરે છે ? તે બોલી, 'હે વત્સ, તારા પિતા દીક્ષા લેવા જવાના છે. તેમના ગયા પછી પતિરહિત એવી મારે આ ત્રાકનું જ શરણ છે. પુત્ર બાલ્યપણાને લીધે તોતડી પણ મધુરવાણીએ બોલ્યો કે, 'માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ પછી તે શી રીતે જઈ શકશે ?' આ પ્રમાણે કહીં બાળક પિતાનાં ચરણને ત્રાકના સૂતરથી વીંટવા લાગ્યો, અને બોલ્યો કે, 'મા, હવે ભય રાખો નહીં. સ્વસ્થ થાઓ, જુઓ મારા પિતાના પગ મેં બાંધી લીધા છે, તેથી બંધાયેલા હાથીની જેમ તે શી રીતે જઈ શકશે ?' બાળકની આ ચેષ્ટા જોઈ આર્દ્રકુમારે વિચાર્યું કે, 'અહો, આ બાળકના સ્નેહનું બંધન કેવું છે કે જે મને બાંધી