________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૨૪
વનમાં દાવાનળ જાગ્યો. એક ઘાસ વગરના મંડલમાં બીજાં પણ નાનાં-મોટાં હજારો પ્રાણીઓથી એ મંડલ ખીચોખીચ ભરાઈ ગયું. તું ત્યાં ઊભો રહ્યો. તને પગે ખૂજલી ઊપડતાં એક પગ ખણવા માટે ઉપાડ્યો, ત્યારે એક સસલું દાવાનળથી બચવા બીજી કોઈ સુરક્ષિત જગ્યા ન મળવાથી પગ નીચે આવી બેસી ગયું. તેં નીચે જોયું, પગ નીચે મૂકે તો સસલું મરી જાય, હત્યા લાગે એવા વિચારે તેં એક પગ અધ્ધર જ રાખ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થયો ત્યારે બધાં જાનવરો પોતાના સ્થાનકે જવા લાગ્યાં. પગ નીચેનું સસલું પણ પોતાના સ્થાને જવા દોડી ગયું. ક્ષુધા અને તૃષાથી પીડિત એવો તું પાણી પીવા માટે દોડવા ગયો, પણ ઘણો વખત પગ અધ્ધર રાખેલો હોવાથી એ પગ અક્કડ થઈ ગયો હોવાથી દોડી ન શક્યો અને પૃથ્વી પર પડી ગયો. આ રીતે ભૂખ તરસથી પીડાતો તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યો. ભગવાને યાદ કરાવતાં કહ્યું, સસલા પર કરેલ દયાના પુણ્યે તું રાજપુત્ર થયો. તને માંડમાંડ આ મનુષ્ય ભવ મળ્યો છે. હાથીના ભવે તેં આટલી વેદના સહન કરી તો મનુષ્ય ભવમાં તું કેમ આવી નાની શી વેદનાઓ સહન નથી કરતો. એક જીવને અભયદાન દેવાથી તને આટલું મોટું ફળ મળ્યું તો સર્વ જીવોને અભયદાન આપનાર મુનિપણાને પ્રાપ્ત થનારા ફળની તો વાત જ શી કરવી !
ભવસાગર તરવા માટે આ ઉત્તમ મોકો મળ્યો છે અને તેં જે વ્રત સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને ભવસાગર તરી જા.
આવી પ્રભુવાણીથી મેઘકુમાર વ્રતમાં સ્થિર થયા અને રાત્રે કરેલ માઠા વિચારનું મિથ્યા દુષ્કૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડ્યું. એવી રીતે ઉત્તમ રીતે વ્રત પાળી મૃત્યુ પામી વિજ્ય વિમાનમાં દેવતા થયા ત્યાંથી અળી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે.
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશનાં દાન દઈ જા.