________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧) જે દ્રવ્યથી સામાયિક નીકળ્યું તે-શ્રીમન્મમહાવીર સ્વામી-ગણધરલક્ષણ દ્રવ્ય. (૨) જે ક્ષેત્રમાં સામાયિક નીકળ્યું તે – મહસેનવન. (૩) જે કાળમાં સામાયિક નીકળ્યું તે – પ્રથમ પૌરુષીરૂપ પ્રમાણકાળ. (૪) ભાવથી -ભાવપુરુષ-શ્રીમહાવીરજીવ લક્ષણ ભાવપુરુષથી જ સર્વ નીકળ્યું છે. દ્રવ્યનિર્ગમમાં ગા.૧૫૪૯ થી ૨૦૨૪ સુધી ગણધરવાદનું વિસ્તૃત વર્ણન છે.
ગણાવરવાદ
(૧) ઇન્દ્રભૂતિ-આત્મા છે કે નહિ?
જીવ-આત્મા પ્રત્યક્ષાદિ કોઈપણ પ્રમાણોથી સિદ્ધ નથી એવી ઈન્દ્રભૂતિ ગૌતમની દલીલો પ્રભુ વીર જણાવે છે –
હે ગૌતમ ! તને જીવ સંબંધી સંદેહ છે કારણ કે, તે ઘટાદિની જેમ પ્રત્યક્ષથી દેખાતો નથી અને લોકમાં જે અત્યંત અપ્રત્યક્ષ છે તે આકાશ કુસુમની જેમ વિદ્યમાન પણ નથી. આત્મા અનુમાનથી પણ તારા મતે પ્રત્યક્ષ નથી. કેમકે, પ્રત્યક્ષથી ઉપલબ્ધ લિંગાદિના સંબંધથી સર્વઅનુમાનો થાય છે. અને જીવની સાથે પૂર્વે તેવા પ્રકારના લિંગના સંબંધનું કોઈપણ દર્શન થતું નથી. કે જેથી કરી તે લિંગ જોવાથી કે સંબંધના સ્મરણથી જીવની પ્રતીતિ થાય. વળી આત્મા આગમથી પણ કોઈને પ્રત્યક્ષ જણાયો નથી, કે જેથી તેનું વચન આગમરૂપ મનાય. અને જે આગમો છે તે પણ પરસ્પર વિરૂદ્ધ છે, આમ આત્મા સર્વપ્રમાણોથી જણાતો નથી. એટલે તને સંશય પડ્યો છે કે આત્મા છે કે નહિ ?
આત્માના અભાવના હેતુઓ :- આત્મા પ્રત્યક્ષથી અત્યંત દેખાતો નથી એટલે નથી, કારણ કે લોકમાં જે વસ્તુનો અત્યંત અભાવ હોય તે આકાશ કુસુમની જેમ નથી જ, અને જે પદાર્થ હોય છે તે ઘટ-પટની જેમ પ્રત્યક્ષ જણાય છે. જો કે અણુઓ અપ્રત્યક્ષ છે છતાં ઘટપટાદિ કાર્યપણે પરિણત થયેલા પ્રત્યક્ષથી દેખાય છે. તેથી અણુઓ છે એમ મનાય છે. તેમ આત્મા ક્યારેય પ્રત્યક્ષ થતો નથી. માટે આત્માનો અત્યંત અભાવ છે.
આત્મા અનુમાન પ્રમાણથી પણ જણાતો નથી. કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક વર્તે છે. જેનાથી અતીન્દ્રિય અર્થ જણાય અને જે અદશ્ય અર્થને જણાવે તે લિંગ-ધૂમ વગેરે અને એ લિંગથી જે જણાય તે લિંગી-અગ્નિ વગેરે. આ લિંગ અને લિંગીનો રસોડા આદિમાં અન્વયવ્યતિરેકથી વ્યાપ્તિભાવ પ્રત્યક્ષથી જાણ્યા પછી, ક્યારેક પર્વત ઉપર ધૂમ લેખા જોઈને