________________
૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેમ પાંચે જ્ઞાનવાળો આત્મા પણ પાંચે ઈન્દ્રિયોથી જુદો છે, અર્થાત ઈન્દ્રિયરૂપ સાધન એ આત્મા નથી પણ તેનાથી અલગ આત્મા છે.
પ્રશ્ન-૭૮૯ - શબ્દાદિ ભિન્ન-ભિન્ન જ્ઞાનવાળા પાંચ પુરૂષોની જેમ પાંચ ઈન્દ્રિયોને પણ જ્ઞાન હોવું જોઈએ ને એમ ન થાય તો તમારો આપેલો હેતુ સિદ્ધ કઈ રીતે ગણાય?
ઉત્તર-૭૮૯ – એ માટે જ તો અમે ઈચ્છાવશાત્ એવું વિશેષણ આપ્યું છે. જેથી કોઈ દોષ ન રહે. કારણ કે ઈન્દ્રિયોને ઈચ્છા હોતી નથી. અથવા સહકારી કારણપણે ઉપલબ્ધિનું કારણ માત્ર ઈન્દ્રિયોમાં છે. એટલે ઉપચારથી ઈન્દ્રિયોને પણ જ્ઞાન માનવામાં કાંઈ વાંધો નથી.
તથા, વાયુભૂતિ ! આત્મા શરીરથી ભિન્ન છે તેની સિદ્ધિનાં બીજા કેટલાંક અનુમાનો સાંભળ. જે બાળવિજ્ઞાન છે તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે, જે વિજ્ઞાન હોય છે તે અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવકનું વિજ્ઞાન બાળ વિજ્ઞાનપૂર્વક હોય છે. તેમ અહીં જે બાળવિજ્ઞાન છે તે વિજ્ઞાન આ શરીરથી ભિન્ન છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં આ શરીરના વિજ્ઞાનનું તે કારણ છે. વિજ્ઞાન એ ગુણ છે તે તેના ગુણી આત્મા સિવાય હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી ભિન્ન છે. નહિ કે શરીર જ આત્મા છે.
પ્રશ્ન-૭૯૦ – બાળવિજ્ઞાન વિજ્ઞાનસ્વરૂપ હોવાથી અન્ય વિજ્ઞાનપૂર્વક છે, તેમાં કહેલો હેતુ પ્રતિજ્ઞાત અર્થનો જ એક વિભાગ છે એટલે એ હેતુ અસિદ્ધ જ થયો ને?
ઉત્તર-૭૯૦ – ના, એમાં વિશેષનો પક્ષ કર્યો છે એટલે સામાન્ય હેતુ થાય. હેતુ અસિદ્ધ ન થાય. જેમકે – “વર્ણાત્મક શબ્દ મેઘના શબ્દની જેમ અનિત્ય છે. આ પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી પણ સામાન્ય છે. તેવી જ રીતે અહીં પણ “બાળવિજ્ઞાન અન્ય વિજ્ઞાનપૂર્વક છે.” એમ વિશેષનો પક્ષ કર્યો છે. બાળશબ્દ અહીં વિશેષ છે. એટલે અમે કહેલ હેતુ “શબ્દ શબ્દ હોવાથી અનિત્ય છે' એવા પ્રયોગની જેમ પ્રતિજ્ઞાત અર્થનો એક ભાગ થઈને અસિદ્ધ નહિ થાય.
વળી, બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, અભિલાષરૂપ હોવાથી અન્ય અભિલાષપૂર્વક હોય છે. બાળકનો આ પ્રથમ સ્તનાભિલાષ તે અભિલાષ શરીરથી જુદો છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં અહીંના અભિલાષનું તેકારણ છે. અભિલાષ એ ગુણ છે, ગુણ એ ગુણી સિવાય ન હોઈ શકે. માટે તે ગુણનો આશ્રયભૂત ગુણી એ શરીર નહિ પણ તેનાથી જુદો એવો આત્મા જ છે.