________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૭૯૫ – સ્વપ્નમાં જે સંદેહ થાય છે, તે પૂર્વે જોયેલ અથવા અનુભવેલ અથવા અનુભવનું સ્મરણ વગેરેના નિમિત્તથી થાય છે. પણ વસ્તુના સર્વથા અભાવથી થતો નથી, જો સર્વથા વસ્તુના અભાવથી સંદેહ થાય તો છઠ્ઠા ભૂત વગેરેમાં પણ સંશય થવો જોઈએ. એમ તો થતું નથી.
વળી સ્વપ્ન પણ નિમિત્ત વિના ન થાય. તે નિમિત્તો – (૧) અનુભૂત = સ્નાન-વિલેપનભોજન વગેરે પૂર્વે અનુભવેલ વસ્તુ સ્વપ્નમાં જણાય છે. (૨) ચિંતિતાર્થ = સ્ત્રીની પ્રાપ્તિ વગેરે. (૩) દષ્ટાર્થ = હાથી, ઘોડા વગેરે પૂર્વે જોયેલ વસ્તુ સ્વપ્નમાં દેખાય છે. (૪) શ્રુતાર્થ = સ્વર્ગ-નરક વગેરે સાંભળેલી વસ્તુ જણાય છે. (૫) પ્રકૃતિ = વાયુ-પિત્ત વગેરેથી થયેલ પ્રકૃતિના વિકારથી આવેલ સ્વપ્ન. (૬) દેવ-વિકારના નિમિત્તે પ્રતિકૂળ કે અનુકૂળ દેવતાના નિમિત્તથી સ્વપ્ન આવે તે. (૭) પ્રદેશ-પાણીવાળા પ્રદેશમાં જે સ્વપ્ન વિશેષ જણાય તે જલપ્રદેશ નિમિત્ત સ્વપ્ન. (૮-૯) પુણ્ય-પાપ-નિમિત્ત-ઈષ્ટ અથવા અનિષ્ટ સ્વપ્ન આવે તે. આ રીતે વસ્તુ સ્વભાથી સ્વપ્ન પણ ભાવરૂપ હોવાથી “સ્વપ્નની જેમ જગત શૂન્ય છે' એમ ન કહી શકાય. કારણ કે ઘટ વિજ્ઞાનની જેમ સ્વપ્ન પણ વિજ્ઞાનમય હોવાથી ભાવસ્વરૂપ છે.
વસ્તુનો સર્વથા અભાવ માનીને સર્વશૂન્યતા માનીએ તો વ્યવહાર પણ ન ટકી શકે. કેમકે, “આ સ્વપ્ન છે, આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ અસત્ય છે, આ ગંધર્વપુર છે, આ પાટલીપુત્ર છે, આ ઉપચાર રહિત સત્યસિંહ છે અને આ ઔપચારિક મનુષ્ય વગેરેમાં ઉપચાર કરાયેલો સિંહ છે. અર્થાત્ માણસ સિંહ જેવો છે એમ કહેવાય છે.” તથા આ ઘટ-પટાદિ કાર્ય છે, આ માટીનો પિંડ વગેરે કારણ છે, આ અનિત્યતા વગેરે સાધ્ય છે, કૃતકપણું વગેરે સાધન છે. કુંભારાદિ ઘટના કર્તા છે, આ વક્તા છે, આ ત્રિઅવયવી કે પંચાવયવી વચન છે. તથા આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે, વગેરે વ્યવહારની વિશેષતા શૂન્યતામાં કઈ રીતે નિયત થાય? વળી પૃથ્વી આદિનું સ્થિરપણું, પાણીમાં પ્રવાહિતા, અગ્નિની ઉષ્ણતા, વાયુની ચપળતા, આકાશની અમૂર્તતા વગેરે નિયત સ્વભાવો, તથા શબ્દાદિ ગ્રાહ્ય છે. અને શ્રોત્રેન્દ્રિયાદિ ગ્રાહક છે વગેરે નિયમની સિદ્ધિ સર્વ શૂન્યતામાં ક્યાંથી થશે?
અથવા સર્વશૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-અસત્ય વગેરે બધું સમાન જ થઈ જાય અથવા સ્વપ્ન હોય તે અસ્વપ્ન અને અસ્વપ્ન-સ્વપ્ન વગેરે વિપર્યય પણ થઈ જાય. અને સ્વપ્ન-અસ્વપ્ન સર્વેનું અગ્રહણ પણ થાય.
પ્રશ્ન-૭૯૬ – એ ગ્રહણ તો ભ્રમથી થાય છે એમ માનો ને?