________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વળી સુખ-દુ:ખના હેતુભૂત કર્મને પુણ્ય-પાપાત્મક મિશ્ર માનવામાં આવે તો સર્વ જીવોને સુખ-દુઃખ રૂપ કાર્યનો પ્રસંગ આવે પણ એમ થતું નથી. દેવોને કેવળ સુખની અધિકતા જણાય છે જ્યારે નારકાદિને ફક્ત પાપની પ્રચૂરતા જણાય છે. માટે સુખ અને દુઃખના અતિશયનો હેતુ અલગ-અલગ છે, વળી સર્વથા એકરૂપ પુણ્ય-પાપ સંકીર્ણ છે તેથી પુણ્યાંશની જે વૃદ્ધિ તે સુખાતિશયનું કારણ છે અથવા દુઃખાતિશયના કારણભૂત પાપાંશની હાનિથી પણ સુખાતિશય થાય છે તું એ પણ નહિ માની શકે કેમકે એથી તો પુણ્ય-પાપાંશનો ભેદ પ્રાપ્ત થશે જ, કેમકે જેની વૃદ્ધિ થતાં જેની વૃદ્ધિ ન થાય તે તેનાથી ભિન્ન છે. તેમ પુણ્યશની વૃદ્ધિ થતાં પાપાંશની વૃદ્ધિ થતી નથી માટે તે તેનાથી અલગ છે, એટલે બંને એકરૂપ નહિ થાય. એ માટે સંશય છોડી દે. વળી શ્રુતિમાં પણ સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તથા દાન-હિંસા વગેરેનું પુણ્ય-પાપાત્મક ફળ જે લોકમાં પ્રસિદ્ધ છે તે સર્વ કથન સંબંધ વિનાનું થાય, માટે વેદોક્ત કથનથી પણ પુણ્ય-પાપ છે એ સિદ્ધ થાય છે.
(૧૦) મેતાર્ય ગણધર - પરલોક છે કે નહિ?
વિજ્ઞાનધન તેયો” ઇત્યાદિ વેદપદો સાંભળવાથી મેતાર્ય ! તને સંશય થયો છે કે પરલોક છે કે નહિ ? પણ તું તે પદોનો અર્થ બરાબર જાણતો નથી. તું એમ માને છે કે જો ચૈતન્ય એ મઘાંગની જેમ પૃથ્વી આદિ ભૂતોનો ધર્મ હોય તો તે ભૂતોના નાશે ચૈતન્યનો પણ નાશ થાય. તેથી ભવાંતરગમનરૂપ પરલોકનો પણ અભાવ થાય. વળી જો એ ચૈતન્ય ભૂતોથી ભિન્ન હોય તો પણ અરણીથી ભિન્ન એવા વિનાશધર્મી અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશ ધર્મવાળો ચૈતન્ય નિત્ય સિદ્ધ નહિ થાય. એટલે પણ ભવાંતર ઘટશે નહિ. તથા સર્વગતનિષ્ક્રિય એવો એક જ આત્મા માનો તો પણ પરલોકની સિદ્ધિ નથી થતી. કેમકે આકાશની જેમ આત્મા સર્વ પિંડોમાં વ્યાપ્ત હોવાથી તેની અન્યત્ર ગતિ થતી નથી. અથવા આ લોકની અપેક્ષાએ દેવ-નારકાદિભવ પરલોક કહેવાય છે. અને તે પ્રત્યક્ષ જણાતો નથી એથી પણ પરલોકની સિદ્ધિ થતી નથી, પરંતુ કૃતિઓમાં પરલોક છે એમ સંભળાય છે. માટે તને એ સંબંધી શંકા થઈ છે. પણ તે યોગ્ય નથી.
કારણ કે ચેતના ભૂત અને ઈન્દ્રિયથી ભિન્ન એવા આત્માનો ધર્મ છે તે આત્મા જાતિસ્મરણાદિના હેતુભૂત છે તેવો આત્મા દ્રવ્યથી નિત્ય છે એમ વાયુભૂતિની જેમ તું પણ માન. વળી આત્મા એક નથી, સર્વગત નથી અને નિષ્ક્રિય પણ નથી. ઘટપટાદિની જેમ લક્ષણાદિના ભેદથી ભેદ છે. માટે ઈન્દ્રભૂતિની જેમ અનંત જીવો છે એ સ્વીકારી લે. તથા આ લોકથી અન્ય એવો પરલોક તે દેવ-નારકીઓનો ભવ છે તેને મૌર્ય અને અકંપિતની જેમ પ્રમાણથી માની લે.
ભાગ-૨/૭