________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મોક્ષ સાધવાના કાળનો અભાવ હોવાથી સાધનના અભાવે મોક્ષરૂપ સાધ્યનો પણ અભાવ છે. આમ આ પ્રથમ પદથી મોક્ષનો અભાવ સિદ્ધ થાય છે અને બાકીના બે પદોથી મોક્ષની સત્તા સિદ્ધ થાય છે. તેનો અર્થ આ રીતે છે. ‘મુક્તિરૂપ ગુફામાં સંસારી જીવો દુ:ખપૂર્વક પ્રવેશ કરી શકે છે’ તથા બે બ્રહ્મ છે, એક પરબ્રહમ અને બીજું અપર બ્રહ્મ. તેમાં પરબ્રહ્મ તે મોક્ષ. અને અપર બ્રહ્મ તે જ્ઞાન. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ પદો જોઈને તને મોક્ષ સંબંધી સંશય થયો છે. તને તેનો સત્ય અર્થ ખબર નથી તે સાંભળ.
૮૪
વળી તું માને છે કે જેમ બુઝાઈ ગયેલો દીવો કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કોઈ વિદિશાઓમાં જતો નથી, પણ તેલનો ક્ષય થવાથી કેવલ શાંતિ પામે છે તેમ નિવૃત્તિ પામેલો જીવ પણ ક્યાંય જતો નથી પણ ક્લેશનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે. આ રીતે બૌદ્ધો દિપકના નાશની જેમ જીવનો નાશ માને છે. તે મોક્ષ હશે કે રાગ-દ્વેષ-મદ-મોહ-જન્મ-જરા-રોગાદિ સર્વ દુઃખોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન-દર્શનરૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મોક્ષ હશે ? એ સિવાય તારા સંશયનું બીજું કારણ એ છે કે તું માને છે કે જેનો અનાદિ સંયોગ હોય, તેનો વિયોગ કદી પણ ન થાય જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો વિયોગ કદી થતો નથી. તેમ જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ હોવાથી તેનો પણ વિયોગ કદી થાય નહિ એટલે સંસારનો વિયોગ ન થાય, એટલે તેના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય છે.
પ્રભાસ ! જેમ સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ છતાં પણ ઘમન વડે તે બેનો વિયોગ થાય છે, તેમ જીવ અને કર્મનો અનાદિ સંયોગ છતાં જ્ઞાન અને ક્રિયા વડે વિયોગ થાય છે. તેથી અનાદિ સંયોગનો વિયોગ થાય જ નહિ એમ એકાંત નથી. માટે જીવ અને કર્મનો વિયોગ થાય છે એમ માની લે.
પ્રશ્ન-૮૬૦ ભલે ગમે તે કહો પણ મારું માનવું છે કે આ નરક-તિર્યંચાદિ પર્યાય તે જ સંસાર છે. અને એનાથી ભિન્ન બીજો કોઈ જીવ જણાતો નથી, એટલે નરકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે, કેમકે તે પર્યાયથી જુદો નથી, અને જીવનો નાશ થતાં મોક્ષ કોનો થાય ?
ઉત્તર-૮૬૦ – તારી એ માન્યતા અયોગ્ય છે, કારણ કે નરકાદિરૂપ જે જીવનો પર્યાય છે. તેનો માત્ર નાશ થવાથી પર્યાયવાળા જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. પણ કાંઈક થાય છે. જેમ મુદ્રાદિ પર્યાયમાત્રનો નાશ થવાથી સુવર્ણનો સર્વથા નાશ થતો નથી પણ કાંઈક જ થાય છે. તેમ નરકાદિરૂપ સંસારના પર્યાયો નાશ થવાથી જીવનો સંસારીપણારૂપે નાશ થાય