________________
૨૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૧૧૨૮– કર્મસહિત જીવના ગમનમાં જેમ કર્મ હેતુ છે તેમ નિર્જિવ કર્મ જીવને મોક્ષમાં લઈ જવાના સામર્થ્યમાં સ્વભાવ હેતુ છે.
પ્રશ્ન-૧૧૨૯ - અરૂપી જીવદ્રવ્યમાં મોક્ષગમન ક્રિયા કઈ રીતે થાય?
ઉત્તર-૧૧૨૯ – તો અમે તમને પૂછીએ છીએ કે અરૂપી જીવ દ્રવ્ય ચૈતન્યવાળું શાથી છે? જેમ ચૈતન્ય તેનો વિશેષ ધર્મ છે. તેમ મોક્ષગમનરૂપ ક્રિયા પણ તેના વિશેષ ધર્મરૂપે માનેલ છે. અથવા જેમ પાણીમાં માટીનો લેપ દૂર થવાથી તુંબડું. બંધનોછેદ થવાથી એરંડ ફળ, તેવા પ્રકારના પરિણામથી ધૂમાડો અથવા અગ્નિ અને પૂર્વપ્રયોગથી ધનુષથી છૂટેલા તીરની જેમ ઉર્ધ્વગતિ થાય છે, તેમ સર્વકર્મના ક્ષયથી સિદ્ધની પણ ઉર્ધ્વગતિ થાય છે.
પ્રશ્ન-૧૧૩૦ – તુંબડું વગેરે તો મૂર્તિમાન પદાર્થો છે તેનું અમૂર્ત એવા સિદ્ધની સાથે સાધર્મ કઈ રીતે થાય?
ઉત્તર-૧૧૩૦ – કેમ ન થાય? ઉર્ધ્વગમનરૂપ ગતિ પરિણામથી તેમનું સિદ્ધની સાથે દેશથી સાધર્મ છે. જો દેશોપનયથી દષ્ટાંત માનવામાં ન આવે તો સર્વથા કોઈ પણ દષ્ટાંત સિદ્ધ ન થાય, કેમકે સંસારમાં કોઈપણ વસ્તુનું કોઈપણ વસ્તુ સાથે સર્વથા સાધર્મ નથી. એટલે સવિશેષ પ્રત્યયના અભાવે અધોગમન, તિર્યગમન કે અચલતા નથી. પહેલાં કર્મના લીધે તે હતું અને હમણાં કર્મના અભાવે સર્વજ્ઞના મતથી ઉર્ધ્વગતિરૂપ હેતુથી તે ઉંચે જ જાય છે.
પ્રશ્ન-૧૧૩૧ – તો મુક્તાત્મા ગતિમાન થવાથી મનુષ્યની જેમ વિનાશી, ક્લેશી અને ગતિથી આવનાર થશે ને?
ઉત્તર-૧૧૩૧ : નહિ થાય, કેમકે ગતિરૂપ પર્યાયની અપેક્ષાએ તે ભલે વિનાશી હો, પણ પરમાણુની જેમ સર્વથા વિનાશી નહિ થાય, વળી ક્લેશનું નિમિત્ત કર્મ છે, ગતિ નથી, તેથી કર્મના અભાવે ક્લેશ ક્યાંથી હોય? જો ગતિ જ ક્લેશનું નિમિત્ત હોય તો પરમાણુ આદિ અજીવને પણ તે હોવો જોઈએ. પ્રશ્ન-૧૧૩૨ – ક્લેશ એ જીવનો ધર્મ છે, એટલે અજીવને કઈ રીતે હોય?
ઉત્તર-૧૧૩૨– તો એ ક્લેશ ભવસ્થ જીવનો ધર્મ છે. તે ભવ વિમુક્તનો કઈ રીતે હોઈ શકે ? ન જ હોય.