________________
૨૮૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ અગ્નિ લાવવો, ફૂંકવો, સળગાવવો વગેરે ક્રિયા પણ હોય છે, માટે સર્વત્ર પુરૂષાર્થસિદ્ધિનું કારણ જ્ઞાન સિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેના કારણ તરીકે સિદ્ધ થાય છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થ સિદ્ધિ નથી. માટે આ હેતુ અનેકાન્તિક પણ છે.
આ રીતે ક્રિયાવાદીએ “જે જેના પછી થનારું હોય, તે તેનું કારણ છે.” વગેરે પ્રયોગમાં જે જેના પછી થનાર' રૂપે હેતુ કહેલ છે તે પણ અસિદ્ધ અને અનેકાન્તિક છે. કેમકે સ્ત્રી-ભક્ષ્ય ભોગ આદિના ક્રિયાકાળમાં પણ જ્ઞાન હોય છે. તેના જ્ઞાન વિના તેમાં પ્રવૃત્તિ જ ન થઈ શકે. એવી જ રીતે શૈલેષી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે કેવળજ્ઞાન હોય છે તે સિવાય તેની પ્રાપ્તિ થતી નથી. માટે હેતુ અસિદ્ધ છે. વળી જેમ આ હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે, તેમ જ્ઞાનને પણ તેના કારણરૂપે સિદ્ધ કરે છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થની સિદ્ધિ ક્યાંય થતી નથી, માટે હેતુ અનેકાંતિક છે.
પ્રશ્ન-૧૧૬૮- ભગવન્! જ્ઞાન અને ક્રિયા પ્રત્યેકમાં મુક્તિ પ્રાપક સામર્થ્ય નથી તો તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ નથી હોતું. તેમ અહીં પ્રત્યેક જ્ઞાન અને ક્રિયામાં મુક્તિદાયક શક્તિ નથી તો સમૂહમાં પણ ક્યાંથી
હોય?
ઉત્તર-૧૧૬૮ – જો સર્વથા એ પ્રત્યેક મુક્તિમાં અનુપકારી કહીએ તો તારી વાત બરાબર છે. પણ એવું નથી. અહીં તે પ્રત્યેકની મુક્તિના સાધ્યમાં દેશોપકારિતા છે અને જ્ઞાન-ક્રિયાના સમુદાયમાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે. તેથી સમુદિત જ્ઞાન અને ક્રિયા જ મુક્તિના હેતુ છે. માટે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાયુક્ત જે ભાવસાધુ હોય તે જ મોક્ષસાધક છે.
ઉપસંહાર - એ પ્રમાણે આ સામાયિક-આવશ્યકનો અર્થ સંક્ષેપથી જણાવ્યો. વિસ્તારાર્થ તો કેવલી કે પૂર્વધર જ જણાવી શકે છે. સર્વ અનુયોગના મૂળરૂપ આ સામાયિક અધ્યયનનું ભાષ્ય સાંભળીને શિષ્ય પરિકર્મિત મતિવાળો થયો છતો શેષ શાસ્ત્રાનુયોગને પણ લાયક થાય છે.
વિશેષાવશ્યકભાષ્ય પ્રશ્નોત્તર રૂપે સમાપ્ત