________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૭૫ પ્રશ્ન-૯૯૩ – દેશ નિષેધાર્થમાં “નોપૃથ્વી” કહેવાથી પૃથ્વીનો એક દેશ સમજાય. પણ ઢેફાનો એકદેશ તો પૃથ્વીના દેશનો પણ દેશ છે, એટલે તેને “નોપૃથ્વી” કેમ કહેવાય?
ઉત્તર-૯૯૩- તેમાં દેશનો ઉપચાર કર્યો છે. કારણ કે ઢેફામાં પૂર્વમુક્તિથી સંપૂર્ણ પૃથ્વી દ્રવ્યનો આરોપ કર્યો છે. એટલે એ અપેક્ષાએ તેના દેશને પણ પૃથ્વીનો દેશ સમજવો, નહિ તો ખરી રીતે તો ઢેફાનો દેશ પણ ઢેફાની જેમ જાતિ આદિ સમાન લક્ષણોવાળો હોવાથી પૃથ્વી જ છે.
પ્રશ્ન-૯૯૪ – ઢેફાનો દેશ તો ઢેફાના ટૂકડા માત્ર છે, એટલે જાતિ આદિ સમાન લક્ષણ હોવા છતાં તે પૃથ્વી કઈ રીતે કહેવાય?
ઉત્તર-૯૯૪ – એ ન્યાયે તો પહેલાં ઢેફાને પૃથ્વીરૂપે કહેલ છે તો એ ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય તો “પૃથ્વી આપો” એમ કહેવાથી આખી પૃથ્વી આપવી જોઈએ, એ તો ઈન્દ્ર પણ ન લાવી શકે. એટલે જેમ “ઘડો લાવો” એમ કહેવાથી સામાન્યથી બધા ઘડા લાવવા સંભવ નથી પણ અર્થવશાત્ દેશ-કાળાદિ વિશિષ્ટ અમુક જ ઘટ લાવીને આપે છે તેમ અહીં પણ સમજવું. કે ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ તેના એક દેશમાં પૃથ્વીત્વ જાતિથી નોપૃથ્વીપણાનો ઉપચાર કરાય છે.
(૭) ગોષ્ટામાહિલ-અબદ્ધિક દૃષ્ટિ
દશપુરનગર - આર્યરક્ષિતસૂરિ - મામાગોષ્ઠામાહિલ, મથુરાનગરીમાં નાસ્તિકવાદની પ્રરૂપણા કરતો વાદી - પ્રતિવાદિના અભાવે સંઘે આર્યરક્ષિતસૂરિને વિનંતિ - ગોષ્ઠામાહિલને મોકલ્યો-વાદિને જીત્યો-ત્યાં જ ચાતુર્માસ – સૂરિએ દુર્બલિકાપુષ્ય મિત્રને સ્થાપવાની ભાવના કરી – ત્રણ ઘડા વાલ-તેલ-ઘીનો, ઊંધો કરતાં વાલ બધા નીકળી જાય, તેલ કાંઈક ઘડાને ચોટે, ઘી ઘણું ચોટે દુર્બલિકાપુત્ર માટે વાલના ઘડા જેવા તે થયા-સર્વ તર્ગત સૂત્રાર્થના ગ્રહણથી, ફલ્યુરક્ષિત માટે તેલના ઘડા જેવા-ઘણું ગ્રહણ કર્યું પણ સર્વ નહિ, ગોષ્ટામાહિલ માટે ઘીના ઘડા જેવા થયા – હજુ ઘણા સૂત્રાર્થ સૂરિપાસે રહ્યા એટલે અશેષ પ્રાપ્ત ન કરવાથી દુબલિકા પુષ્યમિત્ર સૂરિ થયા-બંનેને હિતશિક્ષા - દેવલોક. ગોષ્ઠામાહિલ આવ્યો-પૃચ્છાઈર્ષ્યાથી અલગ રહી વિધ્યપાસેથી વ્યાખ્યાન સાંભળે છે. વ્યાખ્યાનમાં ક્ષીર-નીર ન્યાયથી કે વહ્નિ-ગોલક ન્યાયથી કર્મ જીવ પ્રદેશો સાથે સંબદ્ધ છે. તથાવિધ કર્મના ઉદયથી અને દુરાગ્રહથી ગોષ્ઠામાહિલ વિપરિતમતિ થયો અને તે અભિનિવેશથી તે નિતવ થયો. કહે છે આ વ્યાખ્યાન સદોષ છે જીવપ્રદેશો સાથે કર્મોનું તાદામ્યથી અવસ્થાન માનો તો તમારે મોક્ષનો અભાવ આવે છે. એને પ્રમાણથી સાધે છે.