________________
ગુજરાતી પ્રશ્નોત્તર વસ્તુઓનો સમાન ઉપભોગ કરવાં છતાં કેટલાંકને આનંદ થાય છે. અને કેટલાકને રોગાદિ થાય છે. આમ, અન્નાદિ સાધનો સર્વને સમાન છતાં ફળનો ભેદ જણાય છે, તે અવશ્ય સકારણ હોવો જોઈએ જો એ ભેદ નિષ્કારણ હોય તો હંમેશા સત્તાસત્ત્વનો પ્રસંગ આવે. એ ફળભેદમાં જે કારણ છે તે અદષ્ટ એવું કર્મ છે તેથી કર્મની કલ્પના વ્યર્થ નથી અને એજ કારણથી કર્મ મૂર્તિમાનું છે. કેમકે કુંભની જેમ મૂર્તિમાનું શરીર વગેરે તેથી મજબૂત થાય છે. અથવા જેમ મૂર્ત એવા તેલાદિથી ઘડો મજબૂત થાય છે, તેથી તે તેલાદિ મૂર્ત છે, તેમ પુષ્પમાળા-ચંદનાદિ વડે વૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્તિમાન છે અથવા જેમ ઘટાદિ કાર્ય મૂર્ત હોવાથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્તિ છે. તેમ શરીરાદિ કાર્ય પણ મૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે.
(૧) કેવલ પુણ્ય છે એ પ્રશ્નનું સમાધાનઃ
કેવલ પુણ્યના અપચય માત્રથી જ જીવોને દુઃખી પ્રચુરતા નથી. પરંતુ તે સાથે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષનો પણ સદ્ભાવ છે. જો એમ ન હોય અને એકલા પુણ્યના અપચયમાત્રથી જ દુઃખ થતું હોય તો પુણ્યથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારના અપચય માત્રથી જ તે થવું જોઈએ. પણ પાપના ઉપચયથી પ્રાપ્ત થતા અનિષ્ટ આહારાદિરૂપ વિપરિત બાહ્યસાધનોના સામર્થ્યના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. પણ તેમ થતું નથી, ત્યાં તો અનિષ્ટ આહારાદિ સાધનના સામર્થ્યથી જ દુઃખ થાય છે.
વળી જેમ પુણ્યના ઉત્કર્ષમાં તેનાથી થતું અનુત્તરવાસીદેવ અને ચક્રવર્તીનું શરીર મૂર્ત હોવાથી પુણ્યના અપચયમાત્રથી જ નથી કરાયું, તેમ કોઈ દુઃખી હાથી વગેરેનું શરીર પણ મૂર્ત હોવાથી કેવળ પુણ્યના અપચયમાત્રથી જ નથી કરાયું. કેમકે જો કેવળ પુણ્યના અપચય માત્રથી કરાયેલું હોય, તે મૂર્ત નથી હોતું અને કેવળ પુણ્યના અપચયમાત્રથી જ જો શરીર થતું હોય તો તે અતિહીન અને શુભ જ થવું જોઈએ, ઘણું મોટું અને અતિ અશુભ કઈ રીતે થાય ? કારણ કે મોટું અને શુભ શરીર પુણ્યના ઉપચયથી થાય છે અને અશુભ પાપના ઉપચયથી થાય, વળી થોડા પુણ્ય વડે પણ શરીર શુભ જ થવું જોઈએ દુઃખી નહિ, કેમકે જેમ થોડા સુવર્ણથી પણ નાનો સુવર્ણનો જ ઘડો થાય છે પણ માટી કે તાંબાનો થતો નથી, તેમ થોડા પુણ્યથી પણ શરીર નાનું હોય તો પણ શુભ જ થવું જોઈએ.
(૨) કેવલ પાપનો પક્ષ - એમાં પણ એ જ પ્રમાણે વિપરિતપણે યોજના કરવી. જેમકે પાપના અપચયમાત્રથી જ સુખ નથી થતું, કેમકે થોડું પણ પાપ દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ થોડું પણ વિષસ્વાથ્યનો હેતુ થતું નથી તેમ પાપના અપચયથી થોડું પણ પાપ સુખનો હેતુ થતું નથી, પણ જે થોડું પણ સુખ થાય છે, તે પુણ્યથી જ થાય છે.