________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૭૨
વગેરે (તૈત્તરીય આરણ્યક - ૧, ૧૨, ૩) મંત્ર પદો વડે ઇન્દ્રાદિ દેવોનું જે આહ્વાન કર્યું છે. તે પણ દેવનું અસ્તિત્વ બતાવે છે. નહિ તો એ પણ નિષ્ફળ જાય. માટે પૂર્વોક્ત યુક્તિઓથી અને વેદ વાક્યોથી ‘દેવો' છે એમ સિદ્ધ થાય છે.
(૮) અકંપિત ગણધર - નારક છે કે નહિ ?
પ્રશ્ન-૮૪૯ – ચંદ્રાદિ દેવો પ્રત્યક્ષ છે, તથા વિદ્યા-મંત્રની સાધના દ્વારા ઈચ્છિત ફળની સિદ્ધિ દેખાય છે, તેથી તે સિવાયના બીજા દેવો પણ અનુમાનથી જણાય છે, પણ જે માત્ર સાંભળવામાં જ આવે છે પણ પ્રત્યક્ષ કે અનુમાનથી દેખાતા નથી એવા દેવ-મનુષ્ય-તિર્યંચથી ભિન્ન જાતિવાળા નારકો કેમ માની શકાય ?
ઉત્તર-૮૪૯ – અકંપિત ! જીવાદિ પદાર્થોની જેમ તે નારકીઓ મને પ્રત્યક્ષ છે. એટલે તું માનીલે. કારણ કે - જે સ્વપ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એવું નથી, પણ જે કોઈ આપ્ત પુરુષને પ્રત્યક્ષ હોય તેને પણ લોકમાં પ્રત્યક્ષ સિદ્ધ કહેવાય છે. જેમ સિંધ આદિ સર્વને પ્રત્યક્ષ નથી પણ કોઈને જ પ્રત્યક્ષ હોય છે. વળી દેશ-કાળ-ગામ-નગર-સમુદ્રાદિ પદાર્થો તને પ્રત્યક્ષ નથી પણ બીજાઓને પ્રત્યક્ષ થાય છે. માટે નારકીઓ મને પ્રત્યક્ષ છે એવું કેમ માનતો નથી ?
અથવા મારા પ્રત્યક્ષને અતીન્દ્રિય હોવાથી તું ન માનતો હોય તો શું ઈન્દ્રિય પ્રત્યક્ષ છે તેને જ તું પ્રત્યક્ષ માને છે ? જો એમ માનતો હોય તો તે અયોગ્ય છે. કારણ કે ઈન્દ્રિય પ્રત્યક્ષને તો ઉપચાર માત્રથી જ પ્રત્યક્ષ કહેવાય છે. જેમ અનુમાનમાં બાહ્ય ધૂમાદિ લિંગથી અગ્નિ વગેરે જણાય છે તેવું આમાં નથી. તેથી ઉપચારથી પ્રત્યક્ષ જેવું લાગતું હોવાથી પ્રત્યક્ષનો વ્યપદેશ કરાય છે પણ વાસ્તવમાં તે પરોક્ષ જ છે. અક્ષ એટલે જીવ, તે જીવ અનુમાનની જેમ અહીં પણ વસ્તુને સાક્ષાત્ નથી જોતો પરંતુ ઈન્દ્રિય દ્વારા જોવે છે. એટલે અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ સાચું પ્રત્યક્ષ છે.
પ્રશ્ન-૮૫૦
-
• જો કે ઈન્દ્રિય પ્રત્યક્ષમાં જીવ સાક્ષાત્ વસ્તુને જાણતો નથી પણ ઈન્દ્રિયો તો સાક્ષાત્ જાણે છે, માટે ઈન્દ્રિય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૮૫૦ – ઘટની જેમ ઈન્દ્રિયો પુદ્ગલરૂપે મૂર્ત અને અચેતન હોવાથી વસ્તુને જાણી શકતી નથી. પણ તે બારીની જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો જ્ઞાનનાં દ્વારો છે. વસ્તુનો જાણનાર તો આત્મા જ છે. તે ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે ઈન્દ્રિયોના ઉપર પણ ઈન્દ્રિય દ્વારા વસ્તુનું સ્મરણ આત્માને થાય છે. તથા ક્યારેક જીવ અન્ય મનસ્ક હોય ત્યારે ઈન્દ્રિય વ્યાપાર હોય તો પણ વસ્તુનો બોધ થતો નથી. માટે પાંચ બારીઓથી વસ્તુ જોનાર જેમ બારીઓથી ભિન્ન છે. તેમ ઈન્દ્રિય દ્વારા વસ્તુને જાણનાર આત્મા પણ ઈન્દ્રિયોથી ભિન્ન છે.