________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૮૧૯- તારી વાત યોગ્ય નથી, કારણ કે ઘટનો પૂર્વાભાવ ભાવરૂપ જ છે, માત્ર તેના કારણભૂત અનાદિકાળથી પ્રવર્તેલ માટીના પુદ્ગલોના સમૂહમાંથી ઘટની ઉત્પત્તિ થઈ જ નથી.
પ્રશ્ન-૮૨૦ – જેમ કોઠારમાંથી રોજ થોડું થોડું અનાજ કાઢવામાં આવે તો સમય જતાં સર્વથા ખાલી થઈ જાય છે, તેમ કાળ અનંતાનંત હોવાથી છ માસના અંતે પણ એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય તો અનુક્રમે ઘટતાં-ઘટતાં કાળાંતરે સર્વ સંસાર ભવ્યજીવોથી શૂન્ય જ થઈ જશે ને?
ઉત્તર-૮૨૦ – ના, કારણ કે ભવ્યજીવોનો સમૂહ ભવિષ્યકાળ અને આકાશની જેમ અનંત છે, એટલે તેનો વિચ્છેદ કદી પણ થાય નહિ. કારણ કે અતીત-અનાગતકાળ સમાન છે અને અતીત કાળમાં એકનિગોદના અનંતમા ભાગ જેટલા ભવ્યજીવો મોક્ષે ગયા છે. ભવિષ્યકાળમાં પણ તેટલાં જ જશે, માટે સર્વભવ્ય જીવોનો ઉચ્છેદ માનવો યોગ્ય નથી.
પ્રશ્ન-૮૨૧ – ભવ્ય જીવો અનંતા છે અને તેનો અનંતમો ભાગ મોક્ષે જશે, એમ કઈ રીતે માની શકાય?
ઉત્તર-૮૨૧ – કાળ અને આકાશાદિની જેમ ભવ્યો અનંતા છે તેથી તેમનો કાળ અને આકાશની જેમ સર્વથા વિચ્છેદ થતો નથી. એવા મારા વચનથી તું અંગીકાર કર.
પ્રશ્ન-૮૨૨ - તમારું વચન સત્ય છે એમ કઈ રીતે મનાય ?
ઉત્તર-૮૨૨– હું સર્વજ્ઞ-વીતરાગ છું તેથી જ્ઞાયક મધ્યસ્થ પુરુષની જેમ મારું વચન તારા સંશયાદિ સર્વ વચનની જેમ સત્ય છે. પ્રશ્ન-૮૨૩ - તો પછી જે ભવ્ય હોય અને મોક્ષે ન જાય તેને અભવ્ય કેમ ન કહેવાય?
ઉત્તર-૮૨૩- ભવ્ય એટલે સિદ્ધિ ગમનને યોગ્ય. પણ સિદ્ધિ ગતિમાં જાય જ એવો અર્થ ન સમજવો. પરંતુ સિદ્ધિગતિ યોગ્ય સામગ્રી મળે તો જ જાય. જેમ સુવર્ણ-પાષાણ-કાષ્ટ વગેરેમાં પ્રતિમા થવાની યોગ્યતા છે. પણ તે બધામાંથી પ્રતિમા નથી કરાતી. પણ જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ પ્રતિમા કરાય છે. અથવા જેમ સુવર્ણ અને પાષાણનો યોગ જુદો પાડી શકાય એમ હોવા છતાં સર્વનો વિયોગ થતો નથી, પણ જેને સામગ્રી મળે છે – તેનો જ વિયોગ થાય છે. અર્થાત્ યોગ્ય સામગ્રી યોગ્યતાવાળાને મળે તો જ કાર્ય થાય છે. ન મળે તો ન થાય. તથા અયોગ્યતાવાળાને સામગ્રી મળે તો પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તે જ રીતે જે મોક્ષ થાય છે તે અવશ્ય ભવ્યને જ થાય છે, પણ અભવ્યને થતો નથી.