________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૧
પ્રશ્ન-૭૯૧ – એ અનુમાનમાં કહેલા હેતુમાં વ્યાભિચાર છે. કેમકે બધા અભિલાષ, અભિલાષપૂર્વક નથી હોતા. જેમ મોક્ષનો અભિલાષ મોક્ષના અભિલાષપૂર્વક નથી હોતો તેમ આ અભિલાષ પણ કેમ ન હોય?
ઉત્તર-૭૯૧ – જો અમે અહીં “સ્તનાભિલાષ અન્ય સ્તનાભિલાષપૂર્વક છે' એમ વિશેષથી કહ્યું હોત તો વ્યાભિચાર થાત. પણ અમે તો “સ્તનાભિલાષ અન્ય સામાન્યાભિલાષપૂર્વક હોય છે' એમ કહ્યું છે એટલે તારો ઉપજાવેલો દોષ નહિ રહે. એ રીતે મોક્ષનો અભિલાષ પણ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક જ હોય છે.
તથા બાલ્ય શરીર-દુઃખ-શોક-રાગ-દ્વેષ વગેરે હેતુઓ પણ એ જ પ્રમાણે યોજવા.
પ્રશ્ન-૭૯૨ – આત્મા જો શરીરથી ભિન્ન છે તો ઘટ વગેરેમાં કોઈ પક્ષી વગેરે પેસતુંનીકળતું દેખાય છે તેમ તે આત્મા પણ શરીરમાં પેસતો-નીકળતો કેમ દેખાતો નથી?
ઉત્તર-૭૯૨ – ગૌતમ વાયુભૂતિ ! પદાર્થ નહી જણાવવામાં અનુપલબ્ધિ કારણ છે, તે પણ બે પ્રકારે છે. (૧) અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ (૨) વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ. તેમાં અશ્વશૃંગ - ખરઝંગ - વંધ્યાપુત્ર વગેરે નથી દેખાતા તે અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય છે. તથા, સ્વર્ગ-નર્ક વગેરે જે ભાવો દૂર હોવાથી દેખાતા નથી તે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય. આ અનુપલબ્ધિ (૨૧) પ્રકારની છે. (૧) અતિ દૂર હોવાથી - સ્વર્ગ-નરકાદિ, (૨) અત્યંત નજીક હોવાથી – પોતાની આંખની કીકી-પાંપણમેલ વગેરે, (૩) અતિ સુક્ષ્મપણાથી – પરમાણુ વગેરે, (૪) મનની અનવસ્થાથી – શબ્દ વગેરે હોય છતાં ન જણાય, (૫) ઈન્દ્રિયની અપટુતા-બહેરા વગેરે મનુષ્યને ન સંભળાય, (૬) મતિમંદતાથી – શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ ન થાય, (૭) અશક્યપણાથી – કાન, મસ્તકપીઠ વગેરેની જેમ, (૮) આવરણથી – આંખો પર હાથ મુકવાથી અથવા ચટાઈ-ભીંત વગેરેના આવરણથી હાથ વગેરે પણ ન દેખાય, (૯) પરાભવથી - સૂર્યના તેજમાં પરાભૂત તારા વગેરે, (૧૦) સમાનતાથી - મગ, અડદ વગેરે પોતાની સમાન જાતિના ઢગલામાં પડવાથી, (૧૧) અનુપયોગથી - ઊંધેલા મનુષ્યને પથારીના સ્પર્શની જેમ, (૧૨) ઉપાયના અભાવે - ગાય-ભેંસાદિના દૂધનું પ્રમાણ જેમ શિંગડાદિથી ન જાણી શકે, અથવા આકાશનું માપ ઉપાય વિના ન જાણી શકે, (૧૩) વિસ્મરણથી – ભૂલી જવાથી, (૧૪) ખોટા ઉપદેશથી - ઠગાઈ વગેરેથી, (૧૫) મોહ-અજ્ઞાનથી – જીવાદિ પદાર્થ ન જાણી શકાય, (૧૬) વિદર્શનથી – સર્વથા અંધની જેમ, (૧૭) વિકારથી - વૃદ્ધાવસ્થાદિના વિકારથી, (૧૮) ક્રિયાના અભાવથી – પૃથ્વી ખોદવી વગેરે ક્રિયાના અભાવે વૃક્ષના મૂળ વગેરે ન જાણી શકાય,