________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧ ઉત્તર-૭૪૭ – એવું નથી, ગૃહાદિમાં જ દેવદત્તાદિના સંયોગાદિનો નિષેધ છે. અન્યત્ર નથી એટલે કે ઘરની સાથે દેવદત્તનો સંયોગ નથી અન્યત્ર ક્ષેત્રાદિ સાથે છે, એવી જ રીતે ઘરનો સંયોગ પણ દેવદત્તની સાથે નથી, બીજા ખાટલા વગેરે સામગ્રી સાથે છે. એ જ રીતે શિંગડાનો સમવાય ગધેડામાં નથી, બળાદિમાં તો છે. બીજા ચંદ્રના અભાવે ચંદ્રમાં સામાન્ય નથી, પણ બીજા ઘટ-પટાદિમાં તો છે, ઘટ જેટલું પ્રમાણ મોતીઓમાં નથી, પણ કોળા વગેરેમાં તો છે જ, ત્રિલોકનું સ્વામિત્વ તારામાં નથી પણ અન્યત્ર તીર્થંકરાદિમાં તો છે જ, પાંચ સંખ્યા પ્રતિષેધમાં નથી પણ અન્યત્ર અનુત્તર વિમાનાદિમાં તો છે જ. એ અપેક્ષાએ જ કહેવાય છે કે જેનો નિષેધ કરાય તે વસ્તુ સામાન્યથી છે જ પણ અમે એમ કહેતા નથી કે જેનો જ્યાં નિષેધ કરાય તે વસ્તુ ત્યાં જ હોવી જોઈએ કે જેથી તેં કહેલો દોષ આવે. પ્રશ્ન-૭૪૮ – હું પણ શરીરમાં જ આત્માનો નિષેધ કરૂં છું અન્યત્ર ક્યાં કરૂં છું?”
ઉત્તર-૭૪૮– તારી વાત યોગ્ય છે. કેમકે અત્યાર સુધી જે મેં જીવની સિદ્ધિ માટે યત્ન કર્યો તે તારી આ વાતથી સિદ્ધ થયો, એટલે એ સિદ્ધિ માટે હવે બીજી યુક્તિ નકામી છે. કેમકે, આત્મા શરીરના આશ્રયથી જ સિદ્ધ થાય છે. એ શરીર સિવાય અન્ય સ્થળે હોતો નથી. શરીરમાં જ આત્મા છે એમ લક્ષણથી જણાય છે.
પ્રશ્ન-૭૪૯ – તો એમ માનવામાં શું વાંધો છે કે શરીર એ જ આત્મા છે?”
ઉત્તર-૭૪૯ – એમ માનવાથી “જીવે છે, મરી ગયો, મૂચ્છ પામ્યો' વગેરે વ્યવહારની વ્યવસ્થા નહિ રહે. આ બાબતે અમે આગળ જણાવશું. ફરીથી અન્ય પ્રકારે પણ આત્માની સિદ્ધિ બતાવે છે :
જીવ એ નામ ઘટ નામની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધ પદવાળું હોવાથી સાર્થક છે, જે નામ ખરવિષાણની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નથી તે સાર્થક નથી. જે નામ‘ડિત્યાદિની જેમ શુદ્ધ પદવાળું હોય અને વ્યુત્પત્તિવાળું ન હોય તે પણ સાર્થક નથી થતું. તેમજ, જે નામ સમાસ યુક્ત વ્યુત્પત્તિવાળું હોય પણ શુદ્ધપદવાળું ન હોય તે પણ સાર્થક ન હોય. એટલે, વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નામ જ સાર્થક સમજવું.
પ્રશ્ન-૭૫૦ - તો પછી જીવને જ શરીર સમજો ને કેમ કે જીવ પદનો શરીર સિવાય અન્ય કોઈ અર્થ થતો નથી. કેમકે, શરીર જ સર્વવ્યાપાર કરતું જણાય છે. જેમકે, શરીરથી કોઈ કોઈને મારે છે ત્યારે કહેવાય છે કે આ જીવને મારે છે. આ કારણથી જીવ એટલે શરીર એમ કહેવું જ યોગ્ય છે.