________________
૪૬
વંદનીય હૃદયસ્પર્શ
ને હમેશાં પોલિશથી ચળકતા બદામી બૂટ, રોજેરોજ જાતે જ ધોયેલાં સ્વચ્છ સફેદ મોજાં અને માથે કાળી ટોપી આ એમનો નિત્યનો પોશાક હતો. સૂટ સાથે ટોપી પહેરવાનો રિવાજ ભૂંસાવા માંડ્યો ત્યારે ય એમણે ટોપી છોડી નહોતી. માથે નહિ તો હાથમાં પણ કાળી ટોપી હંમેશાં એમની સાથે રહેતી જ. કૉલેજમાં એ ટોપી તેઓ એક નિશ્ચિત સ્થાને જ રાખતા. એ સ્થાને એ ટોપીનું દર્શન કૉલેજમાં એમની હાજરીનું સૂચક બની ગયું હતું. એ જ રીતે ચોમાસામાં વરસાદ હોય કે ન હોય પણ છત્રી સદાય એમની સાથે રહેતી. ક્યારેક વધુ વરસાદમાં ગ્રાંટરોડના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જવું-આવવું મુશ્કેલ બને એવા વર્ષના એકાદ-બે દિવસ સિવાય કૉલેજમાં એમની હાજરી નિયમિત હતી. પાણીમાં ચાલવાથી એમને પગની તકલીફ થઈ જતી, કારણ કે નાનપણથી એમને એક પગે હાથીપગાનો રોગ હતો. બહુ ચીવટ ને નિયમિતતાથી એનો ઉપચાર જારી રાખી એમણે વર્ષોથી એ રોગને આગળ વધતો અટકાવી રાખ્યો હતો.
કૉલેજમાં ઝાલાસાહેબની પ્રકૃતિ ગંભીર ગણાતી, પણ બી.એ.ના વર્ગમાં તેમની નર્મમર્મયુક્ત વિનોદવૃત્તિનું દર્શન થતું. કૉલેજમાં વર્ગનાં વ્યાખ્યાનો માટે તેઓ સદાય સજ્જ રહેતા અને સમયસર એમનો અભ્યાસક્રમ પૂરો કરતા. સ્ટાફરૂમમાં વર્ષોથી એમની બેઠક નિશ્ચિત હતી અને એથી એ ‘ઝાલાસાહેબની ખુરશી' તરીકે જાણીતી થઈ ગયેલી. ઝાલાસાહેબ પ્રત્યેના માનથી સાથી અધ્યાપકો પણ એ ખુરશી એમના માટે ખાલી જ રાખતા. કૉલેજમાં સંસ્કૃત ઉપરાંત તેઓ ઇન્ટર અને બી.એ.માં ગુજરાતી પણ શીખવતા. કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના તેઓ પ્રમુખ પણ હતા અને એ મંડળ દ્વારા તેઓ અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતા. તેમાં ‘રશ્મિ’ નામે એ મંડળનું એક મુખપત્ર એમણે શરૂ કરેલું જે એ સમયના ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા પામેલું. ગુજરાતી ભાષાના સંશોધનકાર્ય માટે કનૈયાલાલ મુનશીની સહાયથી એમણે એક રકમ પણ એકઠી કરેલી, પણ એક યા બીજા કા૨ણે એ યોજના તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી અમલમાં આવી શકી નહોતી. વેદો, ઉપનિષદ, રામાયણ-મહાભારત, કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ, ભારવિ વગેરેનું એમનું અધ્યયન કૉલેજના અધ્યાપનકાળના આરંભથી જ સંગીન હતું. એમનાં વ્યાખ્યાનોમાં વિદ્વત્તા દેખાઈ આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org