________________
૩૮૮
વંદનીય હૃદયસ્પર્શ જતા. પૂ. શ્રી ભદ્રમુનિનાં સંસારી કાકી શ્રી ધનદેવીજી પણ હંપી આવીને રહ્યાં હતાં. શ્રી ભંવરલાલજીએ ‘સિરિ સહજાનંદઘન ચરિય” નામનું ચરિત્ર અપભ્રંશમાં લખ્યું હતું અને “આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજી' નામનું ચરિત્ર હિંદીમાં લખ્યું હતું. તદુપરાંત એમણે આત્મસિદ્ધિશાસ્ત્રનો બંગાળી ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો.
શ્રી ભંવરલાલજીનો અવાજ બુલંદ હતો. તેમને કેટલાંયે સ્તવનસઝાય કંઠસ્થ હતાં. વળી શાસ્ત્રગ્રંથોના કેટલાયે શ્લોકો તેઓ વાતચીતમાં ટાંકતા. જૈન-જૈનેતર સાહિત્યની હજારો પંક્તિઓ એમની જીભે વસી હતી. સરસ્વતી માતાની એમના ઉપર મોટી કૃપા હતી.
ભંવરલાલજીના હસ્તાક્ષર સુંદર અને મરોડદાર હતા. કોઈ હસ્તપ્રત ઉપરથી પ્રતિલિપિ કરવી હોય તો એવી સ્વચ્છ અક્ષરે લખે કે ક્યાંય છેકછાક જોવા ન મળે. ઝીણા પણ સુંદર, સુવાચ્ય, મરોડદાર અક્ષર પણ તેઓ કાઢી શકે. એક જ પોસ્ટકાર્ડમાં ઝીણા અક્ષરે ઘણી બધી વિગતો એમણે લખી હોય. એમણે “ભક્તામર સ્તોત્ર'નો ગૂર્જર અનુવાદ કર્યો હતો અને તે એમણે ફૂલસ્કેપથી પણ નાના એક જ પાનામાં સુંદર અક્ષરે ઉતાર્યો હતો. એમની આવી કૃતિઓ સંગ્રહાલયમાં સાચવી લેવા જેવી છે.
મારે પહેલો પરિચય શ્રી અગરચંદજી નાહટા સાથે ૧૯૫૬ની આસપાસ થયેલો. એ અરસામાં નળદમયંતી વિશે રાસકૃતિઓની હસ્તપ્રતોની જાણકારી મેળવવા માટે પત્રવ્યવહાર થયેલો. ત્યારપછી બિકાનેર એમને ઘેર જઈને રહેલો. એ પરિચય ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો અને તે એમના સ્વર્ગવાસ સુધી રહેલો. એ વર્ષો દરમિયાન શ્રી ભંવરલાલજીને મળવાનું થયું હતું, પરંતુ શ્રી અગરચંદજીના સ્વર્ગવાસ પછી મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રમાં પૂછવા જેવું સ્થળ તે શ્રી ભંવરલાલજી હતા. એટલે એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો હતો. એમની પાસે પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળતું. તેઓ મુંબઈ આવે ત્યારે મારે ઘરે શ્રી રૂપચંદજી ભણશાળી સાથે અચૂક પધારતા અને મારે કલકત્તા જવાનું થાય ત્યારે સૌથી પહેલાં એમને ઘરે કે દુકાને મળવા જવાનું થતું. અમે મળીએ એટલે પરસ્પર જૈન સાહિત્યની ગોષ્ઠી થાય. શું નવું લખ્યું, શું નવું વાંચ્યું એની વાતો થાય. શ્રી અગરચંદજી સાથે “મૃગાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org