________________
૪૯૦
વંદનીય હૃદયસ્પર્શ અઠવાડિયામાં એકબે વાર બાને મળવા જતાં. બંને સંતાનોને શિખંડ બિલકુલ ભાવતો નહિ. બાને થયું કે નાનાં છોકરાંઓને શિખંડ બહુ જ ભાવે. ન ભાવે તે બરાબર ન કહેવાય. એક વાર અમે બાને ઘરે ગયાં તો બાએ શિખંડ બનાવ્યો હતો. બાએ પૂછ્યું તો બંનેએ શિખંડની ના પાડી. બાએ કહ્યું, “આજે તમારા પપ્પાની વરસગાંઠ છે અને તમે શિખંડ ન ખાવ તે મને ગમતું નથી.” પછી બાએ વહાલથી કહ્યું, “એક એક નાની ચમચી જેટલો આપું છું. જરાક જીભે અડાડી લેજો.” પછી બાએ બંનેને સાવ નાની ચમચી જેટલો શિખંડ આપ્યો. બંનેને ભાવ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધો શિખંડ ખાઈ ગયા અને વધુ શિખંડ માગ્યો અને ધરાઈને ખાધો. ત્યારથી બંને બાળકોએ “શિખંડવાળાં બા' એવું બાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં.
એક દિવસ સાંજે અમે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યાં. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે ગરમી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલાવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઈએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. બાનાં કપડાં પલળ્યાં અને પથારી પણ પલળી. “આવું કરાય?' એવો અમે પ્રમોદભાઈને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યા કે “એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડ્યું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને માથે ગરમી ચઢી ગઈ હતી.”
અમને થયું કે સંભવ છે કે બાનું બ્લડપ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તરત બ્લડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ. વળી બાને એવું પછી કેટલાંક વર્ષ સુધી થયું નહોતું. એટલે ત્યારે એ ચિંતાનો વિષય નહોતો.
અમારું કુટુંબ સાધારણ સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય તે દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮-૨૦ વર્ષની ઉંમરે લગ્ન થતાં. અમારાં સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org