________________
૩૯૬
વંદનીય હૃદયસ્પર્શ એકવડું શરીર અને નાજુક તબિયતને કારણે છેલ્લાં વર્ષોમાં તેઓ પ્રવાસ કરતા નહિ. આમ પણ એકંદરે તેમણે બહુ ઓછો પ્રવાસ કર્યો છે. ઠેઠ બાલ્યકાળથી તેમની તબિયત સારી રહેતી નહિ. પરંતુ એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વ્યાખ્યાનો આપવા માટે અમે નિમંત્રણ આપ્યું ત્યારે મારા આગ્રહને વશ થઈ એમણે તે સ્વીકાર્યું, પણ તેમાં સમયની, આવવાજવાની, ખાનપાનની એમ ઘણી બધી વાતોની સ્પષ્ટતા અને શરત કર્યા પછી તે સ્વીકાર્યું હતું. પહેલો અનુભવ એમને અનુકૂળ લાગ્યો એટલે બીજી-ત્રીજી વાર પણ એમણે વ્યાખ્યાનો માટે અમારું નિમંત્રણ સ્વીકાર્યું હતું.
એક વાર તેઓ મુંબઈમાં અમારે ઘરે આવ્યા ત્યારે ઘરમાં સિતાર, હાર્મોનિયમ, તબલાં જોઈને એમણે પ્રશ્ન કર્યો કે સંગીતનો કોને શોખ છે? મેં કહ્યું મારો પુત્ર અમિતાભ (ઉ.વ. ૧૪) અને પુત્રી શૈલજા (ઉ.વ. ૧૬) માટે સંગીતના શિક્ષક રાખ્યા છે. શિક્ષક બંનેને ગીતો ગાતાં અને જુદા જુદા રાગ વિશે શીખવે છે તથા અમિતાભને તબલાં તથા શૈલજાને સિતાર વગાડતાં શીખવ્યું છે. એમણે શૈલજાને સિતાર વગાડવાનું કહ્યું. શૈલજાએ સિતાર સંભળાવી એથી એમણે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી અને પોતાના સંગીતના શોખની વાતો કરી હતી.
પટેલ સાહેબને કેટલાંક વર્ષોથી આંતરડાની તકલીફ હતી. એ અંગે તેઓ સાવધાન થઈ ગયા હતા. ખાનપાનમાં તેઓ કોઈના આગ્રહને વશ થતા નહિ. એક વાર તેઓ અમારે ઘરે પધાર્યા હતા ત્યારે ચા પીવા માટે અમે આગ્રહ કર્યો. છેવટે એમણે કહ્યું કે “ચા હું તો જ પીઉં, જો તમારા રસોડામાં જઈને મારાં પત્ની જાતે ચા બનાવે તો.” અમે એમની દરખાસ્ત સ્વીકારી. એમનાં પત્નીએ ચા બનાવી તે તેમણે પીધી હતી. પટેલ સાહેબને પાણી બરાબર ઉકાળીને પછી નીચે ઉતારીને એમાં અમુક જ પ્રમાણમાં ચાની પત્તી નાખવામાં આવે અને એમાં નહિ જેવું દૂધ હોય તો એવી ચા જ માફક આવતી હતી. એમનાં પત્ની એ પ્રમાણે બનાવતાં.
પટેલ સાહેબને અધ્યાપનકાળ દરમિયાન શેક્સપિયરનાં કોઈ પણ બે નાટકો દર વર્ષે બી.એ. કે એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવાનાં આવતાં. આથી શેક્સપિયરનાં નાટકો એ જીવનભર એમનો અત્યંત પ્રિય વિષય રહેલો. શેક્સપિયરની સેંકડો પંક્તિઓ એમને કંઠસ્થ હતી. અમદાવાદમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org