________________
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
૩૯૫
સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે અને આજ સુધી એ ચાલુ છે.’
પોતાની તબિયત અને મૃત્યુ માટેની તૈયારી વિશે ૧૯૮૫માં ‘પ્રબુદ્ધ જીવન'માં એમણે લખ્યું હતું કે, ‘મારા એક ડૉક્ટર વડીલે મને ૧૯૬૦માં કહ્યું હતું કે ‘ચીમનભાઈ, તમારા શરીરના ઘડિયાળની ચાવી ઊતરી ગઈ છે. હવે તમે જેટલું જીવો તેટલી ઈશ્વરની કૃપા.' એ કૃપા પચીસ વર્ષ ચાલી અને હજુ કંઈક ચાલશે એમ લાગે છે. મારા જીવનનો અંત જ્યારે આવે ત્યારે હું તૈયાર થઈને બેઠો છું.' ૧૯૮૫માં એમ લખ્યા પછી ઠેઠ ૨૦૦૪ના જાન્યુઆરી સુધી તેઓ આવી નાદુરસ્ત તબિયત છતાં જીવી શક્યા એ બતાવે છે કે એમની જિજીવિષા કેટલી પ્રબળ હતી. હજુ થોડા વખત પહેલાં જ એમનો પત્ર મને મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આખો દિવસ અશક્તિ રહે છે, પરંતુ સાંજના પાંચ-છ વાગ્યા પછી હું સ્વસ્થતા અનુભવું છું.’
અમારા વડીલ ડૉ. અનામી સાહેબ દ્વારા અને પ્રો. જયંતભાઈ કોઠારી દ્વારા પટેલ સાહેબનો પ્રત્યક્ષ પરિચય મને થયો હતો. ૧૯૮૨-૮૩માં એમણે ‘પ્રબુદ્ધ જીવન’માં લેખો લખવાનું ચાલુ કર્યું ત્યાર પછી અમારી વચ્ચે નિયમિત પત્રવ્યવહાર ચાલ્યા કર્યો અને એકબીજાના ઘરે જવા-આવવાનો સંબંધ વધ્યો હતો. તેઓ પત્રવ્યવહારમાં નિયમિત હતા. સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જેમ તેઓ પણ પોસ્ટકાર્ડનો જથ્થો પાસે રાખતા અને તરત મુદ્દાસર ટૂંકા પત્રો
લખતા.
‘પ્રબુદ્ધ જીવન’માં લેખમાલા સ્વરૂપે કશું છપાતું નથી. વધુમાં વધુ ત્રણ અંકમાં લેખ પૂરો થવો જોઈએ. પરંતુ પટેલ સાહેબે જ્યારે પોતાની આત્મકથા લખવાનો પ્રસ્તાવ મારી આગળ રજૂ કર્યો ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’માં અપવાદરૂપે એ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતો. લગભગ સવા વર્ષ સુધી એમની આ આત્મકથા છપાઈ હતી.
આ આત્મકથામાં એમણે પોતાના શૈશવ-યૌવનકાળનાં, અધ્યાપનકાળનાં સંસ્મરણો આલેખ્યાં છે. એમાં એવાં તાદશ ચિત્રો રજૂ થયાં છે કે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ આ આત્મકથા ‘મારી વિસ્મયકથા'ના
નામથી પોતાના પ્રકાશન તરીકે પ્રગટ કરી હતી. વળી મારી સાથેની આત્મીયતાને કારણે ‘મારી વિસ્મયકથા' નામની એમની આ આત્મકથા ગ્રંથ સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે એ ગ્રંથ પટેલ સાહેબે મને અર્પણ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org