________________
૪૪૨
વંદનીય હૃદયસ્પર્શ
ઑપરેશન થિયેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ નવ વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યો નહોતો. રાહ જોવાતી ગઈ, સમય પસાર થતો ગયો. એમ કરતાં અગિયાર વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યા નહિ. અમે બધા બેસીને માંહોમાંહે ગપાટા મારતા રહ્યા. અમારા માટે ભોજનની વ્યવસ્થા ત્યાં જ થઈ હતી એટલે બાર વાગે જમવા બેઠા. સાડા બાર સુધી કોઈ દર્દી ન આવ્યો એટલે એક વાગે નેત્રયજ્ઞ બંધ જાહેર કરવામાં આવ્યો. કાકાએ કહ્યું, અત્યાર સુધી આટલા બધા નેત્રયજ્ઞો કર્યા, પણ દર્દી વગરનો આ પહેલો થયો, તેનું કા૨ણ ધોધમાર વરસાદ અને વાવાઝોડું છે.
દોશીકાકા અને ભાનુબહેન એક વખત અમેરિકા જવાનાં હતાં ત્યારે અમારા યુવક સંઘ તરફથી અમે વિદાયમાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આટલી મોટી ઉંમરે તમને ફાવશે કે કેમ એમ અમે પૂછ્યું ત્યારે કાકાએ કહ્યું હતું કે ‘મારા ભત્રીજાઓ ત્યાં રહે છે અને એરપૉર્ટથી એરપૉર્ટ અમને એટલા બધા સાચવે છે કે અમને જરાય તકલીફ પડતી નથી.' આ ભત્રીજાઓ નાના હતા ત્યારે કાકાએ અને ભાનુબહેને પોતાને ઘરે રાખીને સાચવ્યા હતા અને તૈયાર કર્યા હતા. આ અમેરિકા જવાના પ્રસંગે મારાં ધર્મપત્ની તારાબહેને કાકાને ખાદીની ગરમ શાલ ભેટ આપી તો કાકાએ કહ્યું કે ‘મારી પાસે એક શાલ છે અને એકથી વધારે ન રાખવાનો મારો નિયમ છે. એટલે તમારી શાલ હું તો જ સ્વીકારું કે મને જ્યારે યોગ્ય લાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિને હું આપી દઉં, એ માટે તમારી મંજૂરી હોય તો જ લઉં.’ આ શરત અમે મંજૂર રાખીને અમે કાકાને શાલ ભેટ આપી.
દોશીકાકા અને એમનાં ધર્મપત્ની ભાનુબહેન અમે૨િકા ત્રણેક વા૨ ગયાં છે. તેમના ભત્રીજાઓને ત્યાં રહે છે. કાકા જાય ત્યારે હૉસ્પિટલ માટે કંઈક ફંડ લઈને આવે. છેલ્લે ગયા ત્યારે કાકાની ઉંમ૨ ૮૭ અને ભાનુબહેનની ૮૩, વૃદ્ધાવસ્થાને લીધે કોઈ પણ તેમને અમેરિકા જવાની સલાહ ન આપે. પણ તેઓ બંને મનથી દૃઢ હતાં. વળી આરોગ્યમાં કોઈ ખામી નહોતી. ભાનુબહેનનું શરીર ભારે, પણ તેઓ કહે, ‘અમારે તો બધા જ એરપૉર્ટ પર વ્હીલચેર મળવાની છે.' અમેરિકા જતા હતા ત્યારે ભાનુબહેને કાકાને કહ્યું, ‘તમારા ચંપલ ઘણા ઘસાઈ ગયા છે. અમેરિકામાં તૂટશે તો બહુ મુશ્કેલી થશે. માટે તમે નવી જોડ લઈ લો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org