________________
૪૫૮
વંદનીય હૃદયસ્પર્શ ભાઈલાલ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. સૌથી નાના ભાઈનું નામ ડાહ્યાભાઈ. બંને ભાઈનાં સંતાનોમાં તેઓ “ડાહ્યાકાકા' તરીકે જ જાણીતા હતા. બધાં ડાહ્યાકાકાનું નામ પ્રેમથી સંભારે. તેઓ બહુ બુદ્ધિચાતુર્યવાળા, અનુભવી અને રમૂજી સ્વભાવના હતા. વેપારાર્થે તેઓ સતત મુસાફરી કરતા રહેતા અને દર વખતે એકાદ-બે ભત્રીજાને સાથે લઈ જતા. મારા પિતાશ્રીને વીસપચીસ વર્ષની ઉંમરે ડાહ્યાકાકા સાથે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ભારતમાં દરેક મોટા શહેરમાં જવાનું થતું. રૂ, કપાસ, અનાજ અને બિયારણના છૂટક તથા જથ્થાબંધ વેપારી હોવાને નાતે કાં તો ખરીદી કરવાની હોય અથવા માલ વેચવાનો હોય. તે વખતે માલની હેરફેર માટે રેલવેની ગુડ્ઝ ટ્રેન એ એક જ વ્યવસ્થા ઉપલબ્ધ હતી. ગામમાંથી પાદરાના રેલવેસ્ટેશને દરરોજ એકાદ આંટો તો હોય જ. રેલવેતંત્ર ત્યારે અત્યંત વ્યવસ્થિત, નિયમિત અને સુદઢ હતું. વેપારાર્થે ગામેગામ આડતિયા રહેતા અને પોતે જાય ત્યારે આડતિયાના મહેમાન બનવાનું રહેતું. આગતાસ્વાગતા સારી રહેતી. શહેરના અગ્રગણ્ય વેપારીઓનો પરિચય થતો. પાદરામાં પોતે હોય ત્યારે રોજનો ટપાલવ્યવહાર ઘણો રહેતો. પિતાશ્રીના અક્ષર સરસ મરોડદાર એટલે ટપાલવ્યવહાર તેઓ સંભાળતા ને નામું લખતા. પોસ્ટ દ્વારા જ નમૂનાઓ મોકલાતા. આથી પિતાશ્રીને ડાહ્યાકાકાના હાથ નીચે તાલીમ સારી મળી હતી અને કોઈ પણ ગામનું નામ બોલાય કે તરત ત્યાંના મુખ્ય આડતિયા અને વેપારીઓનાં નામ બોલાય. (પિતાશ્રીને સો વર્ષની ઉંમરે પણ એવાં અનેક નામો હજુ મોઢે છે.)
ડાહ્યાકાકાને એમના વાતોડિયા સ્વભાવને કારણે તથા વારંવાર મુસાફરીને કારણે ઘણી વાતોની જાણકારી રહેતી. વળી તેમને કહેવતો પણ ઘણી આવડતી. તદુપરાંત પ્રસંગાનુસાર પ્રાયુક્ત લીટીઓ જોડતાં પણ તેમને આવડતી. જેમ કે એ જમાનામાં પોપટ નામના એક છોકરાની મા બીજા કોઈક પુરુષ સાથે નાસી ગઈ હતી. એટલે એ કુટુંબ વગોવાયું હતું. એથી વાણિયા પોપટે જ્ઞાતિમાંથી કન્યા ન મળતાં બહારગામ જઈ પૈસા આપી કોઈક બારૈયા જ્ઞાતિની કન્યાને લાવીને ઘરમાં બેસાડી હતી. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org