________________
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
૪૦૭
કૉલેજને પોતાનું મકાન નહોતું. મરીન લાઇન્સ પર લશ્કરી બેરેકના ખાલી પડેલા ઓરડાઓમાં કામચલાઉ વ્યવસ્થા થયેલી. દર અઠવાડિયે એક વાર અધ્યાપક પોતાની કૉલેજમાં એમ.એ.ના વર્ગ લેતા. ત્યારે તનસુખભાઈ ખાદીનાં કપડાં–રંગીન કોટ અને સફેદ પેન્ટ તથા ખાદીની આછા ચૉકલેટી રંગની ટાઈ પહેરતા. ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે કોટ-પેન્ટ-ટાઈ પહેરવાં એમને ગમતાં નહિ, પણ મુંબઈના તે કાળના અધ્યાપકીય જીવનમાં તેમ કરવાની ફરજ પડી હતી.
મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતી એમ બે વિષયો ભણાવતા. વર્ગમાં અધ્યાપન કરાવવા માટે તેઓ પૂરા સજ્જ થઈને આવતા. તેઓ સારું ભણાવતા. શરૂઆતમાં વર્ગો મોટા રહેવાને કારણે તેમને ઉચ્ચ સ્વરે બોલવું પડતું, પણ પછી બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગોમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાને કારણે એવા ઉચ્ચ સ્વરે બોલવાનું રહેતું નહિ. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા. પરંતુ આ વર્ષો દરમિયાન એમની આસપાસ ખટપટ અને તેજોદ્વેષના વાતાવરણની એમના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી.
તનસુખભાઈ અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક હતા ત્યારથી જ તેઓ અમદાવાદના નામાંકિત કવિઓ-શિક્ષકોના તેજોદ્વેષના ભોગ બનેલા. તનસુખભાઈને એમના સત્યપ્રિય સ્વભાવને કારણે સહન ઘણું કરવું પડ્યું હતું. પછીથી તો તેઓ મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં અધ્યાપક તરીકે આવ્યા ત્યારે એ તેજોદ્વેષ મુંબઈમાં અધ્યાપકીય વર્તુળમાં પ્રસર્યો હતો, કારણ કે એમના કરતાં ઉંમરમાં નાના અને ઓછી શૈક્ષણિક યોગ્યતાવાળા કેટલાક અધ્યાપકોને ઊંચાં સ્થાન મળી ગયાં હતાં. આ બધાની જાણે-અજાણ્યે તનસુખભાઈના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. પરિણામે તેઓ બધાથી અળગા, અતડા રહેવા લાગ્યા. તેઓ કોઈની ખુશામત કરવામાં માનતા નહિ. પછી તો એમની પ્રકૃતિ પણ સંરક્ષણાત્મક બની ગઈ. તેઓ સમાજમાં બહુ ભળતા નહિ.
કવિ ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) સાથે તનસુખભાઈને સારો સંબંધ રહ્યો હતો અને તેઓ વચ્ચે પત્રવ્યવહાર પણ થતો. અનામી કરતાં તનસુખભાઈ ઉંમરમાં થોડા મોટા હતા. અનામી સાહેબે મને લખ્યું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org