________________
૩૦૬
વંદનીય હૃદયસ્પર્શ પાઠકને વારંવાર મળવાનું થતું અને એને કારણે બંને વચ્ચે પરસ્પર સ્નેહાકર્ષણ થયું હતું. પોતાના કરતાં લગભગ ત્રીસ વર્ષ મોટા એવા રામનારાયણ પાઠક સાથે લગ્ન કરવાં એ સામાજિક દષ્ટિએ ખળભળાટ મચાવે એવી ઘટના હતી. વળી બંનેની જ્ઞાતિ જુદી હતી. રામનારાયણ પ્રશ્નોરા નાગર હતા અને હીરાબહેન કપોળ વણિક કુટુંબનાં હતાં. સાતેક વર્ષ આ રીતે પરસ્પર મૈત્રી ચાલી, પછી તેઓએ લગ્ન કરી લીધાં.
હીરાબહેને જયારે પાઠકસાહેબ સાથે લગ્ન કર્યા ત્યારે ઘણો ઊહાપોહ થયો હતો. (આજે આવી ઘટના બને તો એટલો ઊહાપોહ કદાચ ન થાય.) એ દિવસોમાં ‘વંદે માતરમ્' દૈનિકમાં શામળદાસ ગાંધી અને યશ શુક્લ આ વિષયને બહુ ચગાવ્યો હતો. ગુજરાતના નામાંકિત, પ્રતિષ્ઠિત સાહિત્યકારો, કેળવણીકારો વગેરેના અંગત અભિપ્રાયો મેળવીને રોજેરોજ તેઓ છાપતા. ઘણાંખરાંના અભિપ્રાય આ લગ્નની વિરુદ્ધ આવતા, તો કેટલાંકના અભિપ્રાયો એમની તરફેણમાં પણ આવતા. વળી ‘વંદે માતરમ્'માં એ દિવસોમાં પાઠકસાહેબ અને હીરાબહેનનાં લગ્ન ઉપર કટાક્ષ કરતાં કાર્ટુનો પણ છપાયાં હતાં. એ દિવસોમાં હું ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો અને રામનારાયણ પાઠક અમારી કોલેજમાં વ્યાખ્યાન આપવા માટે આવેલા. વ્યાખ્યાનના અંતે સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી હતી. તેમાં કોઈક વિદ્યાર્થીએ પાઠકસાહેબ પાસે જઈને એમના હાથમાં સીધો પોતાનો પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીને મૂક્યો. પાઠકસાહેબ તો આવે એવા જ પ્રશ્નો વાંચતા અને તરત જવાબ આપતા. આ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે “ગુરુથી પોતાની શિષ્યા સાથે લગ્ન થઈ શકે?' આ પ્રશ્ન સાંભળતાં જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. અમારા ઝાલાસાહેબ અને મનસુખ ઝવેરી ઊભા થઈ ગયા અને બોલ્યા કે “કોઈએ અંગત પ્રશ્ન પૂછવાનો નથી. પરંતુ પાઠકસાહેબે ખેલદિલીથી કહ્યું, કોઈ વિદ્યાર્થીઓને અટકાવશો નહિ.” પછી એમણે કહ્યું : “આ વિદ્યાર્થીએ જે પ્રશ્ન કર્યો છે તે અંગે મારો ઉત્તર એ છે કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન થઈ શકે નહિ. મારી અંગત વાત જુદી છે. તેનાં કારણોની ચર્ચામાં હું નહિ ઊતરું પણ હું એમ માનું છું કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન ન થઈ શકે.' પાઠકસાહેબ એ પ્રસંગે જરા પણ અસ્વસ્થ થયા નહોતા કે ઉશ્કેરાયા નહોતા. સ્વબચાવ કરવાને બદલે એમણે પોતાનો જવાબ સિદ્ધાંતની દૃષ્ટિએ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org