________________
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
૩૩૭ સાંભળ્યું હતું. કોંગ્રેસ રેડિયો પર એમનો અવાજ સાંભળ્યો હતો. તેઓ પકડાયાં અને એમને સજા થઈ એ સમાચાર ત્યારે છાપામાં વાંચ્યા હતા. પરંતુ ઉષાબહેનને રૂબરૂ મળવાનું તો ૧૯૪૮માં એમના ઘરે થયેલું. એમના વડીલબંધુ ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેં ગુજરાતી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે ડૉ. ચંદ્રકાન્ત મહેતા પણ, બીજા અધ્યાપકો સાથે, અમારા વર્ગ લેતા. તે વખતે વિદ્યાર્થીને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ પોતાને ઘરે બોલાવતા. ઓપેરા હાઉસ પાસે લક્ષ્મી બિલ્ડિંગમાં એમનું સંયુક્ત કુટુંબ રહે. એ વખતે ઉષાબહેનને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થતો.
૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. એ વિભાગના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીએ મારી નિમણૂક કરી હતી. એ વખતે મેં રજિસ્ટ્રાર શ્રી ચિદમ્બરમને પૂછ્યું મારે કયા રૂમમાં બેસવાનું છે? તો એમણે જણાવ્યું કે “તમારે ડો. ઉષાબહેન મહેતાના રૂમમાં બેસવાનું છે, કારણ કે ઉષાબહેનનો ડિપાર્ટમેન્ટ હવે સાંતાક્રુઝ ખાતે કાલિના કેમ્પસમાં ખસેડવામાં આવ્યો છે.” આમ, મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં જ ઉષાબહેનના રૂમમાં બેસવાનું મળ્યું એથી મને ઘણો આનંદ થયો. એને હું મારું સદ્ભાગ્ય માનું છું.
પછી તો ઉષાબહેનને યુનિવર્સિટીની ઘણી મિટિંગોમાં મળવાનું થતું, સાથે કામ કરવાનું થતું. ઉષાબહેન સાથેનો પરિચય યુનિવર્સિટીને નિમિત્તે વધુ ગાઢ થયો. પછી તો અંગત રીતે પણ તેઓ અમારા કુટુંબના સર્વ સભ્યો સાથે વડીલ સ્વજન જેવાં બની રહ્યાં.
ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબનાં બધાં સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ હકુમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org