________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
૩૫૯ ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી દાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવણ્યસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યો-પ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું. પરંતુ ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા.
એમ. ટી. બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સૂરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઇત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત હતી. તેમાં વળી આવા સંશોધનલેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું નામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થયેલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલુ થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમનાં પત્ની ઇન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લક્ષ્મી (ઈન્દિરાનો એક અર્થ લક્ષ્મી)પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સુતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઈની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org