________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
૩૪૯
પ્રકારની. ગુજરાતી ચાર ધોરણ સુધીની શાળા તે પ્રાથમિક શાળા હતી. ‘ધોરણ’ને બદલે ‘ચોપડી’ શબ્દ ત્યારે વપરાતો, જેમ કે ‘પહેલી ચોપડી’, ‘બીજી ચોપડી’ ઇત્યાદિ, કારણ કે મુખ્ય પાઠ્યપુસ્તક પર એ રીતે ‘પહેલી ચોપડી’, ‘બીજી ચોપડી' એમ છપાતું. ચાર ધોરણ પછી જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તેઓ તેમાં દાખલ થતા. જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા ન જવું હોય અને આગળ ભણવું હોય તેઓને માટે બીજાં ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસક્રમ રહેતો. તેમાં ઇંગ્લિશ ભાષાનો વિષય રહેતો નહિ. એવી શાળાઓને ગુજરાતી વર્નાક્યુલર ફાઇનલ કહેવામાં આવતી. ઘણીખરી છોકરીઓ અને કેટલાંક છોકરાંઓ આ ફાઇનલ સુધીની કેળવણી લેતાં. અંગ્રેજી કેળવણી સાત ધોરણ સુધીની રહેતી. સાતમું ધોરણ તે મેટ્રિક. પહેલાં ત્રણ ધોરણની શાળાઓ મિડલસ્કૂલ તરીકે ઓળખાતી. એવી શાળાઓ ‘એંગ્લો-વર્નાક્યુલર’ (એ.વી. સ્કૂલ)' તરીકે ઓળખાતી. શહેરો અને મોટાં ગામોમાં એવી એ.વી. સ્કૂલો ઉત્તરોત્તર વધતી જતી હતી.
એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા એટલી સહેલી નહોતી. વળી બધાં શહેરોમાં મેટ્રિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા નહોતી. કોઈ વિદ્યાર્થી મેટ્રિક થાય એટલે ગામમાં જાણે મોટો ઇતિહાસ સર્જાતો. મેટ્રિક થનાર વિદ્યાર્થીઓનાં ઠેર ઠેર જાહેર સન્માન થતાં. પોતપોતાની જ્ઞાતિ તરફથી મેળાવડા થતા અને ફ્રેમમાં મઢીને છાપેલાં સન્માનપત્ર અપાતાં.
હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણે ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઇનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આપી હતી. અને બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા.
એ દિવસોમાં કરાંચીથી ધારવાડ સુધીનો વિસ્તાર મુંબઈ ઇલાકા તરીકે ઓળખાતો. આખા ઇલાકામાં કૉલેજનું શિક્ષણ ત્રણ-ચાર શહેરોમાં જ અપાતું અને તેમાં પણ મુખ્યત્વે મુંબઈમાં જ હતું. આથી વિદ્યાર્થીઓ મુંબઈમાં ભણવા આવતા અને કૉલેજની હૉસ્ટેલમાં કે સગાંને ત્યાં અથવા રૂમ ભાડે રાખીને રહેતા અને ભણતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઇન્ટર, જુનિયર અને સિનિયરનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org