________________
૩૨૬
વંદનીય હૃદયસ્પર્શ મોટી સેવા કરી હતી. વડોદરામાં યુનિવર્સિટીની સ્થાપના કરવાનું સ્વપ્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડે સેવેલું હતું અને એ માટે મોટી રકમ અનામત રાખેલી હતી, પરંતુ એમના જીવનકાળ દરમિયાન યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી અને એ યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર થવાનું માન અને સદ્ભાગ્ય શ્રીમતી હંસાબહેન મહેતાને પ્રાપ્ત થયું એ પણ સુંદર સુયોગ ગણી શકાય. હંસાબહેને ભારતની યુનિવર્સિટીઓમાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર થવાનું માન પણ પ્રાપ્ત કર્યું. પોતાના પિતાનું અને પોતાના મહારાજાનું કાર્યક્ષેત્ર પ્રાપ્ત થતાં હંસાબહેને નિષ્ઠાપૂર્વક અને કાર્યદક્ષતાપૂર્વક નવ વર્ષ સુધી યુનિવર્સિટીને વાઇસ ચાન્સેલર તરીકે ઘણી મહત્ત્વની સેવા આપીને એ યુનિવર્સિટીને ભારતની અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં સ્થાન અપાવ્યું અને વિદેશમાં પણ એને ઘણી મોટી ખ્યાતિ અપાવી. એમણે ગૃહવિજ્ઞાન (Home Science)નો વિભાગ શરૂ કરાવ્યો અને બીજા પણ કેટલાક નવા વિષયો યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યા.
હંસાબહેને આ રીતે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે જે મહત્ત્વની કામગીરી બજાવી તેની કદરરૂપે અલ્હાબાદ યુનિવર્સિટીએ અને સયાજીરાવ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની માનદ પદવી આપી હતી. તદુપરાંત ભારત સરકારે તેમને ૧૯૫૯ના વર્ષમાં પ્રજાસત્તાક દિને “પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો.
હંસાબહેને સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે એક મહત્ત્વનું કામ એ કર્યું કે ચંદ્રવદન મહેતાને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. ચંદ્રવદન મહેતા ઑલ ઇન્ડિયા રેડિયોમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ એકલા, તરંગી સ્વભાવના અને રખડતા રામ હતા ! નાટકના એ જિનિયસ હતા. લેખન ઉપરાંત વાંચન, પ્રવાસ અને અનુભવની દૃષ્ટિએ તેઓ ઘણા સમૃદ્ધ હતા. આવી વ્યક્તિઓનો સમાજને, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રને લાભ વધુ મળે એ દષ્ટિએ એમને કોઈક યુનિવર્સિટીમાં કંઈક સ્થાન આપવું જોઈએ. પરંતુ સતત ભ્રમણશીલ સ્વભાવના ચંદ્રવદન એમ કાયમને માટે એક સ્થળે બંધાઈ જાય એવા નહોતા. રમણલાલ દેસાઈ અને ઉમાશંકરે હંસાબહેનને કહેલું કે “ચંદ્રવદનને તમારે કાયમ માટે ખીલે બાંધવાની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org