________________
૧૫૫
જયમલ્લ પરમાર રાષ્ટ્રીય રચનાત્મક કાર્યકર તરીકે થયેલો હતો. એટલે જ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન સૌરાષ્ટ્રનાં ઘણાં રચનાત્મક કાર્યોમાં એમણે સક્રિય ભાગ લીધો હતો. એમની એ પ્રવૃત્તિ આઝાદી પછી પણ ચાલુ રહી હતી. એમણે સૌરાષ્ટ્ર સંગીત-નાટક એકેડેમી, લોકસાહિત્ય વિદ્યાલય, સૌરાષ્ટ્ર રાસોત્સવ, રાજકોટ નાગરિક બેંક, પછાત વર્ગ બૉર્ડ વગેરે સંસ્થાઓની સ્થાપનામાં અને એની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય કાર્ય કર્યું હતું. એમણે સૌરાષ્ટ્ર લેખક મિલન માટે અને રાજકોટમાં યોજાયેલા ગુજરાતી અધ્યાપક સંમેલન માટે પણ મોટી જવાબદારી વહન કરી હતી. ઈ. સ. ૧૯૬૫ના ગાળામાં એમણે ગુજરાતમાં નશાબંધીની પ્રચારપ્રવૃત્તિમાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
નિયમિત લેખનકાર્ય કરનાર પત્રકારની પાસે જો કોઈ સામયિક હોય તો તેના લેખનકાર્યને વધુ વેગ અને સગવડ મળે છે. “ફૂલછાબ'માં પત્રકાર તરીકે કાર્ય કરનાર જયમલ્લભાઈને પછીનાં વર્ષોમાં ઈશ્વરલાલ મો. દવેનો સહકાર સાંપડ્યો હતો. ઈશ્વરભાઈએ ૧૯૩૮માં “નવરચના' નામનું સામયિક ચાલુ કરેલું. ૧૯૪૩માં “ઊર્મિ અને “નવરચના” જોડાઈ ગયાં. ૧૯૬૭માં “ઊર્મિનવરચના'માં તંત્રી તરીકે જયમલ્લભાઈ જોડાયા હતા. ઈશ્વરલાલ દવેના અવસાન પછી “ઊર્મિ-નવરચના'ને વર્ષો સુધી ખોટ ખાઈને પણ તેમણે નિષ્ઠાપૂર્વક ચલાવ્યું. ચોવીસ વર્ષ સુધી એમણે લોકસાહિત્યના આ સામયિક માટે આપેલી સેવાને પરિણામે એમના તરફથી આપણને એમની કેટલીક ઉત્તમ લેખન-પ્રસાદી નિયમિત મળતી રહી. ભાઈ રાજુલ દવેનો એમાં સારો સહકાર મળતો રહ્યો હતો.
જયમલ્લભાઈ જેમ એક સિદ્ધહસ્ત લેખક હતા તેમ સારા વક્તા પણ હતા. તેમનો અવાજ બુલંદ હતો. તેમની વાણી મધુર હતી. તેમનું વક્તવ્ય સચોટ અને માર્મિક હતું. તેઓ સભાઓનું સંચાલન કુશળતાપૂર્વક એવું સરસ કરતા કે એની છાપ શ્રોતાઓના ચિત્તમાં ચિરકાળને માટે અંકિત થઈ જતી. જયમલ્લભાઈ એટલે સભાઓના, સંગોષ્ઠીઓના માણસ. જયમલ્લભાઈ અનેક ઠેકાણે ઘૂમી વળેલા. તેઓ અનેક વ્યક્તિઓના અંગત ગાઢ સંપર્કમાં આવેલા. એમનું વાંચન પણ અત્યંત વિશાળ. એટલે જ્યારે પણ એમની પાસે જઈએ ત્યારે એમની વાતોનો ખજાનો ખૂટે નહિ. એમનું જીવન એટલે એક વિરલ અનુભવ-સમૃદ્ધ જીવન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org