________________
૨૬૯
પંડિત દલસુખભાઈ માલવણિયા
બિકાનેરની ટ્રેનિંગ કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી દલસુખભાઈ અને શાંતિલાલ વનમાળીદાસની પસંદગી અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવા માટે થઈ. તે પ્રમાણે તેઓ અમદાવાદ આવ્યા ને પંડિત બેચરદાસ પાસે એમણે પ્રાકૃત ભાષા અને આગમોનો અભ્યાસ કર્યો. સવા વર્ષ એ રીતે અભ્યાસ ચાલ્યો. દરમિયાન પંડિત બેચરદાસને આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે કારાવાસની સજા થઈ એટલે એ અભ્યાસ બંધ પડ્યો.
દરમિયાન દલસુખભાઈની શક્તિ અને વિકાસથી પ્રભાવિત થયેલા શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં મુનિ જિનવિજયજી જૈન આગમોનો અભ્યાસ કરાવતા હતા. દલસુખભાઈ માટે આ એક ઉત્તમ તક હતી. એમની પ્રતિભા આ સંસ્થામાં સારી રીતે પાંગરી.
આ બધો અભ્યાસ એમણે વિના ખર્ચે ટ્રેનિંગ કૉલેજના ઉપક્રમે જ કર્યો. દરમિયાન એમનાં લગ્ન થયાં. હવે આજીવિકાની આવશ્યકતા ઊભી થઈ. એટલે ટ્રેનિંગ કૉલેજે આપેલી નોકરીની ગેરંટી અનુસાર તેઓ મુંબઈમાં સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર “જૈન પ્રકાશમાં જોડાઈ ગયા. પરંતુ જૈન પ્રકાશની ઑફિસમાં એમને લેખન-અધ્યાપનને બદલે ક્લાર્ક તરીકે કામ વધારે કરવાનું રહેતું. લગભગ એક વર્ષ એ રીતે એમણે કામ કર્યું. ત્યાં મુંબઈમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો સંપર્ક થયો. પંડિતજી ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. તેઓ આંખે દેખતા નહિ એટલે સારું વાંચી સંભળાવે એવી વ્યક્તિની એમને જરૂર હતી. એ વ્યક્તિ સંસ્કૃત, પ્રાકૃત અને જૈનદર્શનની જાણકારી હોવી જોઈએ જેથી પંડિતજીના કામમાં સરળતા રહે. પંડિતજીને દલસુખભાઈમાં એ યોગ્યતા જણાઈ. એમણે દલસુખભાઈને બનારસ આવવા કહ્યું. દલસુખભાઈ એથી જૈન પ્રકાશની નોકરી છોડીને ઓછા પગારે નોકરી કરવા પંડિતજી સાથે બનારસ ગયા. દલસુખભાઈનું આર્થિક દૃષ્ટિએ આ એક સાહસ હતું, પરંતુ બીજી બાજુ પંડિતનો સહવાસ મળ્યો એ મોટું સદ્ભાગ્ય હતું. પંડિતજીની સાથે કાર્ય કરવાને લીધે એમની પ્રતિભા બહુ સારી રીતે ઘડાઈ હતી. પંડિતજીના ‘દર્શન અને ચિંતન' ગ્રંથનું સંપાદન એમણે કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org