________________
૨૮૪
વંદનીય હૃદયસ્પર્શ
કલાકની મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવા ન કરતા.
એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાંએ કહ્યું કે ‘આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગરમી વધુ લાગશે.’
પરંતુ ત્યાં જવા માટે ફાધર દૃઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હૉટેલોમાં હજુ થઈ નહોતી, ફાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, ‘ફાધર, તમને ગરમી કેવી લાગી ?’ ફાધરે કહ્યું, ‘મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુ ખાતો નહિ, લીંબુનું તાજું બનાવેલું ઠંડુ શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ.'
ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા. રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની કે મોટાઈની જરા પણ સભાનતા નહોતી.
એક વખત ફાધર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કૅમ્પમાં જઈને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં રહેવાને કારણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઈએ. પણ ફાધરે કહ્યું કે તાવ તો ઊતરી જશે. માટે તેઓ કૅમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઈ એમને સમજાવી શકતું નહિ. તાવની ખબર પડતાં કૉલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કૅમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઈએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org