________________
૨૮
મોરારજી દેસાઈ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનો ૯૯ વર્ષની ઉંમરે મુંબઈમાં તા. ૧૦મી એપ્રિલ ૧૯૯૫ના રોજ સ્વર્ગવાસ થયો. એમણે ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો, પરંતુ શતાબ્દી પૂરી કરી શક્યા નહિ. તેમની નિયમિતતા અને શારીરિક સ્વસ્થતા જોતાં એવી આશા હતી કે તેઓ અવશ્ય ૧૦૦ વર્ષ પૂરાં કરશે. પરંતુ કુદરતનું કરવું કંઈક જુદું જ હોય છે. જેમના નખમાંયે રોગ નહોતો એવા મોરારજીભાઈ અચાનક તાવમાં પટકાયા અને તાવની અસર મગજ પર પહોંચી. બેભાન અવસ્થામાં તેમણે જસલોક હૉસ્પિટલમાં દેહ છોડ્યો. જસલોક હૉસ્પિટલમાં છેલ્લા દિવસોમાં એમને જોવા માટે મુલાકાતીઓને જવા દેવામાં આવતા નહોતા. આમ પણ તેઓ ભાનમાં ન હતા. એટલે એમને અંદર જોવા જવાનો વિશેષ અર્થ પણ નહોતો.
મોરારજીભાઈના પાર્થિવ દેહને, એમની ભાવના અનુસાર અમદાવાદમાં સાબરમતી નદીના તટમાં અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
પ્રખર ગાંધીવાદી, નિર્દભ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, સાધનશુદ્ધિના આગ્રહી, કુશળ વહીવટકર્તા, સ્વતંત્ર વિચારક, ભગવદ્ગીતાના ઉપાસક કર્મયોગી એવા સ્વ. મોરારજી દેસાઈની ૯૯ વર્ષની સક્રિય કારકિર્દીના ઘટનાસભર જીવન વિશે ઘણું લખી શકાય. એમનું વિસ્તૃત જીવનચરિત્ર લખાયું છે. અહીં તો માત્ર એમના જીવનનાં કેટલાંક પાસાં વિશે અંગત સ્મરણો સાથે લખવું છે.
Jain Education International
ભારતની આઝાદીના જંગમાં ભાગ લેનાર નેતાઓમાં છેલ્લાં પચાસ વર્ષમાં એક માત્ર મોરારજીભાઈ જ એવી વ્યક્તિ છે કે જેમને બધી કક્ષાનો સત્તાવાર અનુભવ હતો. જવાહરલાલને સીધો વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. રાજ્યકક્ષાનો કશો અનુભવ નહોતો. તેવી જ રીતે ઇન્દિરા ગાંધીને પણ રાજ્યકક્ષાનો અનુભવ નહોતો. રાજીવ ગાંધીને તો ધારાસભા કે લોકસભાના સભ્ય તરીકેનો કે રાજ્ય કે કેન્દ્રના કોઈ પ્રધાન તરીકેનો પણ અનુભવ નહોતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org