________________
પંડિત પનાલાલ ક. ગાંધી
૨૫૯ તેઓ નિયમિત વ્યાયામ કરતા. ધ્રાંગધ્રાની પાઠશાળામાં એમણે ધાર્મિક સૂત્રો વગેરેનો અભ્યાસ સારો કર્યો હતો. ધ્રાંગધ્રામાં આવતાં સાધુ-સાધ્વીઓના ગાઢ સંપર્કમાં તેઓ આવતા. પ. પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજનું ચાતુર્માસ ધ્રાંગધ્રામાં હતું ત્યારે પનાભાઈએ એમની સારી વૈયાવચ્ચ કરી હતી.
પનાભાઈના મોટાભાઈ બહારગામ જઈ, શાળા અને કૉલેજમાં અભ્યાસ કરી દાક્તર થયા. પણ પનાભાઈને શાળા-કૉલેજના અભ્યાસમાં રસ ન પડ્યો. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે યુવાવસ્થામાં પનાભાઈ આજીવિકા માટે મુંબઈ આવ્યા. ચાંદી બજાર અને બીજાં બજારોમાં વ્યવસાય કર્યો પણ ખાસ ફાવ્યા નહિ. તેવી પ્રકૃતિ પણ નહિ. તે દરમિયાન તેઓ પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજ અને સિદ્ધાંતમહોદધિ પ. પૂ. શ્રી પ્રેમસૂરિ મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. બંનેના તેઓ કૃપાપાત્ર બન્યા હતા. બંને પાસેથી એમણે સારું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી તેઓ પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને મળ્યા હતા. તેઓ પંન્યાસજી મહારાજને પોતાના ગુરુ તરીકે માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા.
પનાભાઈને ધાર્મિક વિષયમાં રસ હતો. એમની સજ્જતા વધતી જતી હતી. એટલે એમણે વ્યવસાય તરીકે ધાર્મિક વિષય ભણાવવાનું ચાલુ કર્યું. જુદાં જુદાં ઘરોમાં એમને એ પ્રકારનું કામ મળી રહેતું. પોતે એકલા હતા એટલે બહુ મોટી આવકની જરૂર પણ નહોતી. મુંબઈમાં ગોળદેવળ પાસે એક ચાલીની ઓરડીમાં તેઓ રહેતા અને અલગારી જીવન જીવતા.
પનાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. એમની યોગસાધના ઘણી ઊંચી કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાક સુધી બેસી શકતા. એમણે ઉપધાન તપ કર્યા હતાં. દસ વર્ષ સુધી એમણે એકાસણાં કર્યા હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પહોરી પૌષધ કરતા. એમણે અમ્ પદનો સળંગ જાપ સુદીર્ઘ કાળ સુધી કર્યો હતો. એથી એમની ચેતનાશક્તિ કુંડલિની જાગ્રત થઈ હતી. એમના અત્યંત નિકટના પરિચયમાં આવનારને આ કોઈ બ્રહ્મજ્ઞાની મહાત્મા છે એવો ભાસ થયા વગર રહે નહિ. એકાસણાની તપશ્ચર્યા પછી પણ જીવનના અંત સુધી તેઓ પ્રાયઃ સવારે એક જ સમય આહાર લેતા અને સાંજે એક ગ્લાસ દૂધ લેતા. આયંબિલ કરવાની શક્તિ રહી ત્યાં સુધી દર મહિને એક આયંબિલ કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org