________________
૨૧૪
વંદનીય હૃદયસ્પર્શ મોરારજીભાઈને શિવામ્બુમાં ઘણી શ્રદ્ધા હતી. જીવનભર એમણે એ પ્રયોગ કર્યો. તેમણે યુવાન વયથી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું, એથી પણ એમનું સ્વાથ્ય સારું રહેતું હતું. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં અસ્વસ્થ થતા નહિ. સદાચારી હમેશાં નિર્ભય હોય છે. મોરારજીભાઈના જીવનમાં એવી નિર્ભયતા હતી.
મોરારજીભાઈ પોતાનાં દૈનિક કાર્યોમાં નિયમિતતા ચીવટપૂર્વક રાખતા. રોજ સવારના ચાર વાગે ઊઠી જતા. વ્યાયામ કે યોગાસનો કરતા, સ્નાન માટે તેઓ સાબુનો ઉપયોગ કરતા નહિ, પણ શરીર બરાબર ચોળી-ઘસીને સ્નાન કરતા. એમના પગ પણ અત્યંત સ્વચ્છ રહેતા. નેવું વર્ષની ઉંમરે પણ એમના પગના નખ લાલ લાલ રહેતા. જેમ સ્નાનની બાબતમાં તેમ ભોજનની બાબતમાં પણ તેઓ નિયમિત હતા. સવારે દસના ટકોરે તેઓ જમવા બેસતા. ગમે ત્યારે ગમે તે પ્રસંગે જવાનું હોય, તેઓ પોતાના જમવાના સમયની સ્પષ્ટતા કરતા. જે કોઈ એ સમય સાચવી શકે તેનું જ નિમંત્રણ સ્વીકારતા. ઘાટકોપરમાં એક વખત એમના પ્રમુખપદે સભા યોજાઈ હતી. સભા પછી શ્રી દુર્લભજી ખેતાણીને ત્યાં એમને જમવાનું હતું. દુર્લભજીભાઈએ ચીમનલાલ ચકુભાઈને તથા મને નિમંત્રણ આપ્યું હતું. સભામાં પહેલા બે-ત્રણ વક્તાઓ લાંબું બોલ્યા, પરંતુ મોરારજીભાઈએ તો પોતાનો સમય થયો એટલે બીજા વક્તાઓને પડતા મૂકી પોતાનું વક્તવ્ય ચાલુ કરી દીધું અને તરત સભા પૂરી કરીને દુર્લભજીને ત્યાં પહોંચી ગયા હતા. આહારમાં મોરારજીભાઈ લસણ નિયમિત લેતા. રોજ લસણની દસબાર કાચી કળી તેઓ ખાતા, એથી પોતાનું સ્વાથ્ય સારું રહે છે એમ કહેતા. તેઓ દૂધ ગાયનું પીતા, માખણ ગાયના દૂધનું ખાતા. પોતે સત્તા પર પ્રધાન કે વડાપ્રધાનના પદે રહ્યા હતા ત્યારે એમના મંત્રી દરેક સ્થળે અગાઉથી સૂચના આપી સ્થાનિક કાર્યકર્તાઓ પાસે આ બધી સગવડ કરાવતા. મને યાદ છે કે એક વખત નડિઆદમાં એક કાર્યક્રમમાં મોરારજીભાઈ આવવાના હતા ત્યારે આગલે દિવસે રાત્રે અગિયાર વાગે કાર્યકર્તાઓને યાદ આવતાં ગાયના દૂધના માખણ માટે દોડાદોડ કરી મૂકી હતી.
મોરારજીભાઈ ક્યારેક આકરા સ્વભાવના બની જતા. ક્યારેક હઠીલા અને ઉતાવળિયા પણ બનતા. એમ છતાં લોકોમાં અને ખાસ કરીને ગુજરાતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org