________________
મોરારજી દેસાઈ
૨૧૩
જૈન છું એ જાણીને એમને આશ્ચર્ય થયું. ખાનપાનમાં મને કંઈ મુશ્કેલી નથી પડતી અને મને યોગ્ય શાકાહાર મળી રહે છે એ જાણીને એમને સંતોષ થયો હતો. હું કઈ કૉલેજમાં કયો વિષય ભણાવું છું તે પણ એમણે મને પૂછયું. થોડી મિનિટ માટેની આ અમારી અનૌપચારિક વાતો એમને માટે તો અનેકમાંની એક હતી. એમને યાદ પણ ન રહે, પણ પચીસ વર્ષની વયે મને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળી એ મારે માટે યાદગાર ઘટના હતી. અલબત્ત, ત્યાર પછી તો એમને મળવાનું ઘણી વાર થયું હતું.
મોરારજીભાઈને જ્યોતિષમાં ઊંડી શ્રદ્ધા હતી. ઇમરજન્સી પહેલાં એક વખત અમારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પોતે જરૂર ભારતના વડાપ્રધાન થવાના છે. પોતાની જન્મકુંડળીમાં એવો યોગ છે. મોરારજીભાઈની એ વાત સાચી પડી હતી.
વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી એક વખત મોરારજીભાઈને મારે મળવાનું થયું ત્યારે એમણે વાતવાતમાં કહ્યું હતું કે જ્યોતિષના આધારે ઇન્દિરા ગાંધી કરતાં પોતે વધુ જીવવાના છે. ઇન્દિરા ગાંધી ત્યારે ફરીથી વડાંપ્રધાન થયાં હતાં. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેઓ મોરારજીભાઈ કરતાં વહેલાં વિદાય થયાં, પરંતુ એ હત્યા ન થઈ હોત તો પણ ઇન્દિરા ગાંધીનું આયુષ્ય લાંબું નથી એવું મોરારજીભાઈ માનતા હતા. એક વખત વાતચીતમાં એમણે ઇન્દિરા ગાંધીનો નિર્દેશ કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધી પોતાને થયેલા કોઈ ગંભીર રોગની જાહેરાત થવા દેતાં નથી, પરંતુ તેઓ નિયમિત વધુ પ્રમાણમાં કોર્ટિઝનનો ડોઝ લે છે. તે પરથી લાગે છે કે એમનું શરીર વધુ સમય ટકી શકશે નહિ. અલબત્ત ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એટલે એમના સ્વાસ્થ્ય વિશેની આ વાતની તો માત્ર અટકળ જ કરવાની રહે છે.
મોરારજીભાઈને કિશોરાવસ્થાથી જ નિસર્ગોપચારમાં શ્રદ્ધા હતી. તેઓ જવલ્લે જ માંદા પડ્યા હશે. તેમણે ક્યારેય એલોપથીની દવાઓ લીધી નહોતી. તેમણે ક્યારેય બળિયા-અછબડા માટે રસી મુકાવી નહોતી. જે વખતે આખી દુનિયામાં કોઈ દેશ રસી મુકાવ્યા વગરની ગમે તેવી મોટી વ્યક્તિ હોય તો પણ તેને પોતાના દેશમાં પ્રવેશ આપતી નહોતી તે વખતે પણ મોરારજીભાઈ રસી મુકાવ્યા વગર દુનિયાના ઘણા દેશોમાં જઈ આવ્યા હતા. એમના પ્રત્યેના માનના કારણે આવી છૂટ એમને અપાતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org