________________
અમૃતલાલ યાજ્ઞિક
૧૭૭ યાજ્ઞિકસાહેબના વિશેષ સંપર્કમાં આવવાનું બનતું હતું. મુંબઈમાં ધ્રાંગધ્રા મિત્રમંડળની સભાઓમાં પણ યાજ્ઞિકસાહેબ સક્રિય રસ લેતા. એ રીતે પણ એમનો સંપર્ક રહ્યા કરતી. યુનિવર્સિટીની મીટિંગોમાં અને જાહેર સભાઓમાં પણ મારે એમને વારંવાર મળવાનું થતું. અનેક વાર માટુંગામાં કે વિલેપારલેમાં એમના ઘરે પણ જવાનું થતું. તેઓ અમારા ઘરે ઘણી વાર આવતા. સમાન ક્ષેત્રની વ્યક્તિઓ હોવાને નાતે અનેક પ્રવૃત્તિઓ, પ્રવાહો, વ્યક્તિઓની વાતો થતી અને તેઓ અંગત નિખાલસ અભિપ્રાય અમારી આગળ વ્યક્ત કરતા અને યોગ્ય સલાહ પણ આપતા. મુંબઈની એક કૉલેજમાં આચાર્ય તરીકે કાર્ય કર્યા પછી વિલેપારલેની મીઠીબાઈ કૉલેજમાં તેઓ એના સ્થાપનાકાળથી આચાર્ય તરીકે જોડાયા અને ઘણાં વર્ષ એ કોલેજને પોતાની સેવાઓ આપીને એમણે એ કૉલેજને પરાંની એક મહત્ત્વની કૉલેજ બનાવી દીધી હતી. એના સ્ટાફમાં એમણે ભિન્ન ભિન્ન ક્ષેત્રની તેજસ્વી વ્યક્તિઓને નિમણૂક આપીને કૉલેજના ગૌરવને વધારી દીધું હતું.
મીઠીબાઈ કૉલેજની આ સિદ્ધિને કારણે અને અંગત પ્રગતિને કારણે ઉત્તરાવસ્થામાં યાજ્ઞિકસાહેબની ગુરુતાગ્રંથિનો અનુભવ કેટલાકને ક્યારેક થતો. આમ છતાં પોતાને જ્યારે ખબર પડે કે પોતાના કાર્ય કે વર્તનથી બીજાનું દિલ દુભાયું છે તો તેઓ દિલગીરી અનુભવતા, ક્ષમા માગી લેતા, પોતાની ગ્રંથિને વધુ દઢ થવા દેતા નહિ. એમના હૃદયપરિવર્તનનો એક મારો અંગત અનુભવ અહીં ટાંક્યા વગર રહી શકતો નથી.
ઈ. સ. ૧૯૫૯ની આસપાસનો આ કટુ પણ મધુર પર્યવસાયી પ્રસંગ છે. યાજ્ઞિક સાહેબને યુનિવર્સિટીના ગુજરાતી બૉર્ડના ચેરમેન થવાનું પ્રમાણમાં વહેલું સાંપડ્યું હતું. ડૉ. કાન્તિલાલ વ્યાસ જેવા સીનિયર અધ્યાપકને આશા હતી કે બૉર્ડના ચેરમેનનું પદ હવે પોતાને મળશે. પરંતુ અગાઉથી ગણતરીપૂર્વક યોજના એવી થઈ કે યાજ્ઞિકસાહેબ ચેરમેન થઈ ગયા. એમાંથી ઋણમુક્ત થવા એમણે પોતાના મિત્રોનાં સંપાદનો પાઠ્યપુસ્તક તરીકે બૉર્ડમાં મંજૂર કરાવ્યાં. બૉર્ડની એ મીટિંગમાંથી અમે બહાર નીકળતા હતા ત્યાં એમના એક મિત્રે યાજ્ઞિકસાહેબના કાનમાં કહ્યું, “ચાલો, બધું સારી રીતે ચૂપચાપ પતી ગયું. સારું થયું કે કોઈનુંય ધ્યાન ગયું નથી. હું પાછળ ચાલતો હતો. એ શબ્દો મારા કાને પડ્યા. મને વહેમ પડ્યો કે તેઓ આવું કેમ બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org