________________
જયમલ્લ પરમાર
૧૫૭ ટી.વી.ના કાર્યક્રમો ઉપરાંત જયમલ્લભાઈએ લોકસાહિત્યના સંશોધનસંપાદનક્ષેત્રે પણ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમણે “દેશ-દેશની લોકકથાઓ', “પરીકથાઓ', “પંજાબની વાતો', “રાજસ્થાનની વાતો', “બુંદેલખંડની વાતો”, “કાઠિયાવાડની વાતો', “ધરતીની અમીરાત' વગેરે લોકકથાના ગ્રંથો પ્રગટ કર્યા છે. લોકવાર્તાની રસલ્હાણ” તથા “જીવે ઘોડા, જીવે ઘોડા” એ નામના લોકકથાનાં સંપાદનો દ્વારા બીજા લેખકોએ લખેલી કેટલીક મહત્ત્વની લોકવાર્તાઓ એમણે આપણને આપી છે.
લોકસાહિત્યમાં બાળવાર્તાઓ અને કિશોરવાર્તાઓમાં પણ જયમલ્લભાઈને એટલો જ રસ પડતો. એ ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. યુવાન વયે એમણે લોકસાહિત્યના બાળકથાના પંદરેક જેટલા સંગ્રહો પ્રગટ કર્યા હતા. એમાં “ચાતુરીની વાતો', “પાકો પંડિત', “ચૌબોલા રાણી', “સોનપદમણી', “ફૂલવંતી', “કુંવર પિયુજી', “અજગરના મોંમાં ઇત્યાદિ સંગ્રહો નોંધપાત્ર છે.
સ્વ. જયમલ્લભાઈએ આપણા લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિના વિષયો ઉપર વખતોવખત જે અભ્યાસપૂર્ણ સંશોધનલેખો લખ્યા હતા તે ગ્રંથસ્વરૂપે પ્રગટ થતા રહ્યા હતા. “આપણી લોકસંસ્કૃતિ', “આપણાં લોકનૃત્યો', લોકસાહિત્ય અને સંસ્કૃતિ', “લોકસાહિત્યવિમર્શ”, “લોકસાહિત્યતત્ત્વદર્શન અને મૂલ્યાંકન જેવા સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલ્લભાઈએ રાસ, રાસડો, ગરબો, ગરબી વગેરે પ્રકારનાં લોકગીતો, વિવિધ પ્રકારનાં લોકનૃત્યો, પઢાર, કોળી, આયર, ભરવાડ, સીદીઓ વગેરે જાતિઓ, તેમના પહેરવેશ, ભરતગૂંથણની કલા, તેમની ગૃહસુશોભનની કલા, તેમનાં જન્મ, લગ્ન, મૃત્યુ વગેરેના પ્રસંગોના રીતરિવાજો ઇત્યાદિનું ઐતિહાસિક સંદર્ભો સાથે સરસ દિગ્દર્શન કરાવ્યું છે. સ્વ. ઝવેરચંદ મેઘાણી પછી એટલા જ વિશાળ ફલક ઉપર લોકસાહિત્યનું સંશોધન-અધ્યયન, સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલ્લભાઈ પાસેથી આપણને સાંપડે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેમાં ગુજરાતી ભાષાના વિભાગની સાથે લોકસાહિત્યનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો, કારણ કે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય બહુ સમૃદ્ધ છે. આ વિભાગમાં જયમલ્લભાઈએ ૧૯૭૬થી ૧૯૭૮ના ગાળામાં અધ્યાપનકાર્ય કરેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org