________________
૧૩૨
વંદનીય હૃદયસ્પર્શ “માનસીચલાવાય નહિ. તે ચાલે ત્યાં સુધી ચલાવો.” વિજયરાયે વિષ્ણુભાઈની સલાહ સ્વીકારી હતી અને થોડા વખત પછી “માનસી” બંધ પડ્યું હતું. જોકે ત્યાર પછી ફરી થોડી અનુકૂળતા મળતાં પત્રકારી જીવ વિજયરાયથી ન રહેવાયું એટલે એમણે “રોહિણી' નામનું સામયિક ચાલુ કર્યું હતું, પરંતુ તે તો અલ્પજીવી નીવડ્યું હતું.)
વિષ્ણુભાઈનો પ્રથમ વિશેષ પરિચય તો મને ઈ. સ. ૧૯૫૦માં થયો હતો. મારા કવિમિત્ર મીનુ દેસાઈ સાથે સુરત હું પહેલી વાર ગયો હતો. પ્રવાસનો શોખ હતો અને નવી નવી વ્યક્તિઓને મળવાનો પણ શોખ હતો. અમે બંનેએ “મનીષા' નામના સૉનેટસંગ્રહના સંપાદનનું કાર્ય હાથ ધર્યું હતું. એ વખતે એમ. ટી. બી. કૉલેજમાં વિષ્ણુભાઈ અને વિજયરાય વૈદ્ય ગુજરાતી શીખવતા. એટલે દેખીતી રીતે જ એમને મળવાનું મન થયું. વિજયરાયની એક લાક્ષણિક મુદ્રા હતી. તેઓ વિદ્વાન ખરા પણ અધ્યાપકીય વકતૃત્વશક્તિ એમનામાં ઓછી ગણાતી. એમના ઉચ્ચારો પણ લાક્ષણિક હતા. તેઓ પણ ધોતિયું, ખમીસ, લાંબો કોટ અને ટોપી પહેરતા અથવા કોઈ વાર કોટને બદલે કફની ઉપર બંડી પહેરતા. વિદ્યાર્થીઓને વિજયરાય કરતાં વિષ્ણુભાઈ પ્રત્યે માન વધારે હતું.
અમે વિષ્ણુભાઈને મળ્યા. મારા મિત્ર મીનુ દેસાઈએ મારો પરિચય કરાવ્યો. “સાંજ વર્તમાનમાં હું તે વખતે સાહિત્યના વિભાગનું સંપાદન કરતો અને દર બુધવારે પ્રગટ થતા એ વિભાગની એક નકલ વિષ્ણુભાઈને પણ હું નિયમિત મોકલતો. “સાંજ વર્તમાનમાં મારાં લખાણો ઉપર પોતે કોઈ કોઈ વાર નજર નાખી જાય છે તે અંગે વાત નીકળી. ત્યારપછી મારા મિત્રે વિષ્ણુભાઈને કહ્યું કે “આ વખતનો એમ.એ.નો બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક રમણભાઈને મળ્યો છે.”
વિષ્ણુભાઈએ તરત હર્ષપૂર્વક કહ્યું, “એમ? તમને મળ્યો છે? તો તે માટે મારા અભિનંદન ! તમને મળીને મને બહુ આનંદ થયો.”
પછી એમણે પ્રશ્ન કર્યો, “તમને ભાષાવિજ્ઞાનમાં ૯૪ માર્કસ મળ્યા છે?”
મેં કહ્યું, “હા. આપને કેવી રીતે ખબર પડી ? રિઝલ્ટ હમણાં જ આવ્યું છે. મેં હજુ કોઈને મારા માર્કસ કહ્યા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org