________________
૧૩૪
વંદનીય હૃદયસ્પર્શ પ્રસિદ્ધિ આપી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા હતા. એ વખતનું વાતાવરણ હજુ ગાંધીજીની અસર નીચે હતું એટલે આ પ્રકારની હરીફાઈઓ તે મોટો જુગાર છે અને તેમાં ગુજરાતી વિષયના અધ્યાપકોએ ન જોડાવું જોઈએ એવો ઘણાનો મત હતો. મુંબઈમાંથી પ્રો. મનસુખલાલ ઝવેરી નિર્ણાયક તરીકે જોડાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક વડીલ અધ્યાપકો નિર્ણાયક તરીકે જોડાયા હતા. બીજી બાજુ આચાર્ય શ્રી ડોલરરાય માંકડ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી યશવંત શુક્લ વગેરેનો એ માટે સખત વિરોધ હતો. તેઓ આ સંમેલનમાં ઠરાવ લાવ્યા હતા કે અધ્યાપક સંઘના સભ્ય એવા કોઈ પણ અધ્યાપકે શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે ભાગ લેવો નહિ, આ ઠરાવને લીધે અધ્યાપકોમાં બે પક્ષ પડી ગયા હતા અને તે બંને વચ્ચે ગરમાગરમ કટુતાભરી ચર્ચા ચાલી હતી. નિર્ણાયક તરીકે કામ કરતા અધ્યાપકોએ સંઘમાંથી નીકળી જવાની ધમકી ઉચ્ચારી હતી. આરંભના જ વર્ષમાં અધ્યાપક સંઘ ભાંગી પડે એવી શક્યતા ઊભી થઈ હતી. બંને પક્ષ પોતપોતાના વિચારમાં મક્કમ હતા. એ વખતે વિષ્ણુભાઈએ બંને પક્ષને પ્રેમપૂર્વક સમજાવીને ઠરાવના કડક શબ્દો દૂર કરાવીને કરાવને ભલામણના રૂપમાં રજૂ કરાવ્યો હતો. બીજી બાજુ જે અધ્યાપકો એમાં જોડાયા હતા તેમની પાસેથી વ્યક્તિગત ખાતરી ઉચ્ચારાવી હતી. એથી વિષ્ણુભાઈ પ્રત્યે સૌ કોઈનો આદર ઘણો વધી ગયો હતો
ત્યારપછી કેટલાંક વર્ષે વડોદરામાં ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન મળ્યું હતું. વિષ્ણુભાઈ સાધારણ રીતે સંમેલનમાં આવતા નહિ. પરંતુ વડોદરાના સંમેલનની એક બેઠકમાં અચાનક તેઓ આવી ચડ્યા. એમના આગમનની સાથે જ સભાનું વાતાવરણ બદલાઈ ગયું. કોઈ એક ભાષાકીય મુદ્દાની ચર્ચા ચાલતી હતી. જુદા જુદા અધ્યાપકો જુદો જુદો મત વ્યક્ત કરતા હતા અને ચર્ચામાં ગરમાગરમી થઈ હતી. તે વખતે વિષ્ણુભાઈને ઉપસંહાર કરવાનું કહેવામાં આવ્યું. વિષ્ણુભાઈએ બધા જ મુદ્દાઓને આવરી લઈને એવો સરસ ઉપસંહાર કર્યો હતો કે બધો વિવાદ શમી ગયો, એટલું જ નહિ પણ વિષ્ણુભાઈના એ ઉપસંહારથી અધ્યાપકોએ પ્રસન્નતા અનુભવી હતી. દરેક વિષયનાં પક્ષપાતરહિત, અભિનિવેશરહિત, સમગ્રદર્શી, સમતોલ વિવેચનમાં એમની પરિણત પ્રજ્ઞાનાં અને એમના ઉદાત્ત શીલનાં જે દર્શન થતાં તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થયેલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org