________________
ભૃગુરાય અંજારિયા
૯૩
એક સાલ છપાઈ હોય અને ભૃગુરાય એના કરતાં જુદી સાલ મોઢેથી આપણને કહે તો ભૃગુરાય સાચા હોય અને પુસ્તકમાં મુદ્રણદોષ અથવા લેખકની સરતચૂક હોય. ભૃગુરાયની એટલી ચોકસાઈ. હમણાં થોડા વખત પહેલાં મળ્યા ત્યારે મને કહેલું, ‘હું આટલાં વરસ કહીકહીને થાક્યો કે મણિલાલ દ્વિવેદી ...સાલમાં જામનગર ગયેલા, પણ કોઈ માનતું નહોતું. હવે મણિલાલનો આત્મવૃત્તાન્ત પ્રગટ થયો છે. એમાં પોતે લખ્યું જ છે કે એ સાલમાં તેઓ જામગર ગયા હતા.’ ભૃગુરાયને સાહિત્યકારોના સાહિત્યમાં જેટલો રસ તેટલો જ એમની જીવનપ્રવૃત્તિઓમાં રસ. ઝટ લખવા બેસવું નહિ એવી એમની પ્રકૃતિ, પણ લખ્યો હોત તો ભૃગુરાયને હાથે પંડિત યુગના ગુજરાતી સાહિત્યનો સરસ ઇતિહાસ આપણને સાંપડ્યો હોત.
ભૃગુરાયે લખ્યું ઓછું પણ વાંચ્યું ઘણું. જયારે જુઓ ત્યારે કોઈ ને કોઈ ગુજરાતી કે અંગ્રેજી પુસ્તક કે સામયિકનું વાંચન ચાલતું હોય. રાતના સૂઈ જાય ત્યારે એમના પડખામાં છ-સાત પુસ્તકો તો પડેલાં જ હોય - ઘણુંખરું એક જ વિષયનાં - અને તેમાં કોણે એ વિષયને કેટલો ન્યાય આપેલો છે, એનું તુલનાત્મક તારતમ્ય ચિતવતાં એ નિદ્રાધીન થાય. ભૃગુરાય એટલે ગ્રંથગૃદ્ધ જીવ. પુસ્તકોની પસંદગીમાં તેઓ બે અંતિમ કોટિ સુધી પહોંચે. મુંબઈમાં સ્ટ્રેન્ડ, ન્યૂ બુક કંપની, ઇન્ટરનૅશનલ બુક ડીપો, ત્રિપાઠી, નવભારત વગેરેમાં જઈને છેલ્લામાં છેલ્લું વ્યાકરણ, ભાષાવિજ્ઞાન, કવિતા, વિવેચન વગેરેનું કયું પુસ્તક આવ્યું છે તે જોઈને ત્યાં ઊભાં ઊભાં અડધું વાંચી લે અને બહા૨ ફૂટપાથ ઉપર જૂનાં પુસ્તકો વેચનારા પાસે છેલ્લું કયું અપ્રાપ્ય પુસ્તક વેચાવા આવ્યું છે તે પણ જોઈ લે. પોતાની એટલી શક્તિ નહિ છતાં દર મહિને ઘણાં પુસ્તકો ખરીદીને વસાવે. નિવૃત્ત થયા એટલે ખરીદીની પ્રવૃત્તિ મંદ કે બંધ પડી. થોડા વખત પહેલાં મને કહે, ‘મુંબઈ યુનિવર્સિટીની લાયબ્રેરીનો પાસ મને કઢાવી આપો. મારે નવાં નવાં પુસ્તકો વાંચવા રોજ આવવું છે.’
ભૃગુરાયે પોતે આરંભમાં ઠીક લેખનકાર્ય કર્યું. પરંતુ પછીથી એમનો ઉત્સાહ ઘટ્યો. ‘કાન્ત’ વિશે શોધ-પ્રબંધ લખવો શરૂ કર્યો, પણ પછીથી કેવી નજીવી વાતમાં એમણે આરે આવેલું કામ અધૂરું મૂક્યું ! ડિગ્રી કે પ્રસિદ્ધિનો મોહ તો એમને હતો નહિ. પોતાનો ફોટો પડાવવાનું પણ એમને ગમતું નહિ. કોઈકે પાડી દીધેલા એમના ફોટા પણ કેટલા ઓછા મળે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org