________________
વંદનીય હૃદયસ્પર્શ
એક વખત ફાર્બસ ગુજરાતી સભામાં કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા શ્રી ભૃગુરાય અંજારિયાએ મને કહ્યું હતું કે ‘ચંદ્રવદન તમને મળવા માગે છે.’ એ સાંભળીને મને બહુ જ આનંદ થયો હતો. ચંદ્રવદન ફરતા ફરે. વડોદરામાં વધારે રહે અને મુંબઈમાં મિટિંગ કે કાર્યક્રમ હોય ત્યારે આવે. એટલે એમના એક કાર્યક્રમના અંતે શ્રી ભૃગુરાયે મારા માટે મળવાનું ગોઠવ્યું હતું. મળ્યા ત્યારે ચંદ્રવદને કહ્યું કે ‘ઝાલા સાહેબ અને મનસુખલાલ ઝવેરી પાસેથી તમારું નામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું છે, પરંતુ પરિચય બહુ થયો નથી.’ પછી મુખ્ય વાત કરતાં એમણે કહ્યું કે “ગુજરાત સાહિત્યના સંશોધનક્ષેત્રમાં તમે કામ કરો છો અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છો. એટલે મારી ઇચ્છા તમને ફાર્બસ ગુજરાતી સભાની સમિતિમાં લેવાની છે.” મેં કહ્યું : ‘પણ હું તો ફાર્બસનો સભ્ય નથી.’.તો તરત એમણે આજ્ઞા કરી કે ‘તરત સભ્ય થઈ જાવ.’ પછી ભૃગુરાયને એ માટે તરત સૂચના આપી દીધી. હું ફાર્બસનો સભ્ય થયો અને પછી સમિતિમાં જોડાયો. ત્યાર પછી ચંદ્રવદનને અનેક વાર મળવાનું થયું. સમય જતાં એમની સાથે મજાક-મશ્કરી કરી શકાય એવી એક પ્રકારની અત્યંત નિકટની આત્મીયતા સધાઈ ગઈ.
૧૧૪
ફાર્બસ સમિતિમાં જોડાયા પછી ચંદ્રવદનને નિયમિત મળવાનું થતું ગયું. દરેક મિટિંગમાં પછીની મિટિંગની તારીખ નક્કી થઈ જાય, કારણ કે ચંદ્રવદન અનેક ઠેકાણે ફરતા ફરે. એમની ડાયરી ત્રણ-ચાર મહિના અગાઉથી ભરાયેલી હોય. કેટલીક વાર તો છ-આઠ મહિના પછીની એમની તારીખ કોઈક સંસ્થાએ કે યુનિવર્સિટીએ એમની પાસે નક્કી કરાવી લીધી હોય. ફાર્બસની અમારી મિટિંગ પૂરી થાય એટલે ચંદ્રવદન ડાયરી કાઢે. તારીખ વિચારાય. કોઈક તારીખ અમે સૂચવીએ તો તેઓ ના પાડે. અમે પૂછીએ કે “તમે રોકાયેલા છો એ દિવસે ?’’ તો કહે “ના, રોકાયેલો નથી, પણ એ દિવસે અમાસ છે. દિવસ સારો નથી.'' ચંદ્રવદન જ્યોતિષના જાણકાર હતા અને શુભાશુભ દિવસ કે ચોઘડિયાનો અગાઉથી વિચાર કરતા. આમ છતાં તેઓ વહેમી નહોતા.
ફાર્બસની અમારી મિટિંગમાં જ્યોતીન્દ્ર દવે મંત્રી હતા. ચંદ્રવદન અને જ્યોતીન્દ્ર બંને સમવયસ્ક. બાળપણ બંનેનું સૂરતમાં વીતેલું. બંને નિરાંતે મળે એટલે સૂરતનાં ઘણાં સંસ્મરણો વાગોળે. સૂરતના એક જૂની પેઢીના પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org