________________
ચંદ્રવદન મહેતા
૧૨૫
જુદો રહેતો. પહેલાં તો તેઓ કસવાળું કેડિયું પહેરતા. કોઈ વાર તેઓ ટર્કિશ ટુવાલમાંથી બનાવેલું અડધી બાંયનું શર્ટ પહેરતા. તે દિવસે મેં ચંદ્રવદનને પૂછ્યું કે, “તમે ગળામાં આવી વકીલ જેવી બે પટ્ટી કેમ પહેરો છો ?’’ તેઓ કંઈ જવાબ આપે તે પહેલાં ઉમાશંકર કહે, “કેટલાક લોકો ગળામાં એક ટાઈ પહેરે છે, પણ ચંદ્રવદન બે ટાઈ પહેરે છે.’’ પછી તરત જ ઉમાશંકરે બે લીટી જોડી કાઢી :
ચંદ્રવદન મહેતા પહેરે છે બે ટાઈ, પણ સુંદરજીના નામમાં રહે છે બેટાઈ.
તરત ચંદ્રવદને ઉમાશંકરને કહ્યું, “તમારા નામમાં પણ ઉમા અને શંકર એ બેની ટાઈ (tie) થયેલી છે.'
મોટા લેખકો પણ શબ્દોની કેવી ગમ્મત કરે તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થયો હતો.
ચંદ્રવદન વિદાય થયા, પણ એમના જીવનનાં કેટલાં બધાં સંસ્મરણો મૂકતા ગયા ! તેમનું નેવું વર્ષનું જીવન કેટલું બધું પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ, સક્રિય, સભર અને સિદ્ધિઓથી ઝળહળતું ! તેઓ અવસાન પામ્યા છે એવું માનવાને મન ના પાડે. જાણે નેપથ્યમાં બીજો વેશ પહેરવા ગયા છે એવું લાગે. અજંપાથી ભરેલા એમના આત્માને જંપ હજો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org