________________
૧૧૬
વંદનીય હૃદયસ્પર્શ માથે આવી. મેં એમના આશીર્વાદ માટે પત્ર લખ્યો. એમણે પત્રમાં શુભાશિષ સાથે પોતાના દુ:ખની વાત કરી. છૂટા થવામાં ઉંમરનું કોઈ કારણ નથી, કારણ કે હજુ આખી દુનિયામાં પોતે દોડાદોડ કરે છે, પરંતુ ફાર્બસમાં પોતાને રસ રહે એવું હવે વાતાવરણ નથી. અન્ય પણ કેટલાંક કારણો એમણે પત્રમાં લખ્યાં અને રૂબરૂ મળ્યા ત્યારે પણ જણાવ્યાં.
ચંદ્રવદન એકલા અને વળી ફરતા રામ. આથી તેઓ અનેક લોકોના અંગત સંપર્કમાં આવેલા હોય. એમની યાદશક્તિ પણ સારી. બધાના સ્વભાવથી પણ પરિચિત હોય. ચંદ્રવદનને મળીએ એટલે જૂના વખતના અનેક અનુભવોની વાતો પણ સાંભળવા મળે. ચંદ્રવદન નાટકના ક્ષેત્રના મહારથી. જૂની રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકો પણ એમણે લગભગ બધાં જ જોયેલાં. મુંબઈમાં આંખના નિષ્ણાત ડૉ. ડી. જી. વ્યાસ સંગીત અને નાટ્યકલાના પ્રેમી હતા. તેઓ પણ જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોના શોખીન અને સારા અભ્યાસી હતા. કેટલાંયે નાટકોના સંવાદો તેમને મોઢે રહેતા. તેમનો કંઠ પણ મધુર હતો. તેઓ ભારતીય અને પાશ્ચાત્ય સંગીતની સારી જાણકારી ધરાવે. નાટકોનાં ગીતોની કેટલીયે પંક્તિઓ પણ તેમને કંઠસ્થ રહેતી. તેઓ અને ચંદ્રવદન મળે એટલે નાટકની દુનિયાની ઘણી વાતો નીકળે. સંવાદો બોલાય, ગીતો લલકારાય. સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના રહે. એક વખત ચંદ્રવદનની આંખનું ઑપરેશન ડૉ. ડી. જી. વ્યાસ કરવાના હતા. ઑપરેશન ટેબલ પર ઑપરેશન કરતાં કરતાં ડૉ. વ્યાસે ચંદ્રવદન સાથે કોઈક નાટકની વાત કાઢી. ચંદ્રવદન ઑપરેશન ટેબલ પરના પેશન્ટ છે એ તેઓ ભૂલી ગયા. ચંદ્રવદન કહેતા તે પ્રમાણે ડૉક્ટર સાહેબે તો રંગમાં આવી જઈને એક નાટકના સંવાદ બોલવાનું ચાલુ કર્યું. આંખમાં ચીપિયો ભરાવેલો. પછીથી ડૉક્ટર હાથમાં ઓજારો સાથે ગીત લલકારવા લાગ્યા. થોડી વાર તો ડૉક્ટરને કહેવું કે ન કહેવું તેના વિચારમાં ચંદ્રવદન પડી ગયા. પણ છેવટે ચંદ્રવદને ટકોર કરવી પડી કે “ડૉક્ટર સાહેબ, પહેલાં ઑપરેશન પૂરું કરો. પછી નાટકની વાત કરીશું.”
ચંદ્રવદન સભાસંચાલનમાં ઔપચારિકતાના ખૂબ આગ્રહી હતા. આપણે ત્યાં ભારતમાં સભાસંચાલનની બાબતમાં ઔપચારિકતા સાચવવા અંગે ઘણી શિથિલતા પ્રવર્તે છે. કેટલાંક સંચાલનો તો ઢંગધડા વગરનાં થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org