________________
ચંદ્રવદન મહેતા
૧૧૯ પહેલાં જણાવી દે અને પછી બરાબર એટલી જ મિનિટ બોલે. કોઈ સભામાં પોતે પ્રમુખ હોય અને કોઈ વક્તા આપેલી સમયમર્યાદા કરતાં વધારે લાંબુ બોલવા જાય તો ચંદ્રવદન ઊભા થઈ વક્તાની પાસે જઈને ઊભા રહે. એટલે સભાને તો ખબર પડી જ જાય કે વક્તાનો સમય પૂરો થઈ ગયો છે. અને વક્તા પણ સમજી જાય. કોઈ વક્તા ન સમજે તો તેઓ સ્પષ્ટ શબ્દોમાં પૂરું કરવાનું કહે. આ પ્રસંગે ચંદ્રવદન કોઈની શરમ ન રાખે.
સભામાં ચંદ્રવદન નિયત કરતાં વધારે ન બોલે. આપેલા સમય જેટલી તૈયારી અચૂક કરીને લાવ્યા હોય. પૂર્વ તૈયારી વગર ચંદ્રવદન બોલવા ન જાય. એક વખત અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચંદ્રવદનને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપેલું. પચાસ મિનિટનું વ્યાખ્યાન હતું. સભાના પ્રમુખ તરીકે મેં એમનો પરિચય આપ્યો અને કહ્યું કે “ચંદ્રવદનભાઈ સમયનું ચુસ્ત પાલન કરનારા છે. પરંતુ તોયે આજે દસપંદર મિનિટ વધારે લેશે તો પણ અમને ગમશે...” ચંદ્રવદને પોતાનું વ્યાખ્યાન ચાલુ કર્યું, પણ અડધા કલાકમાં પૂરું કરીને બેસી ગયા. અલબત્ત, વિષયને પૂરો ન્યાય આપ્યો. પણ ઓછો સમય લીધો એથી મને આશ્ચર્ય થયું. સભા પૂરી થઈ પછી મેં એમને પૂછ્યું, “કેમ આટલો ઓછો સમય લીધો?” તેમણે કહ્યું, “કારણ કોઈને કહેવાય એવું નથી. કોઈને કહીએ તો ગાંડા ગણે. પણ તમને કહેવામાં વાંધો નથી. ગઈ કાલે વડોદરાથી નીકળીને સવારે મુંબઈ આવ્યો અને ચા-નાસ્તો કરવા બેઠો ત્યારે ખબર પડી કે દાંતનું ચોકઠું તો વડોદરા ભૂલી ગયો છું. મને એમ કે ચોકઠા વગર કલાક બોલવામાં વાંધો નહિ આવે, પણ વીસ મિનિટ બોલ્યો ત્યાં તો જડબાં દુખવા આવ્યાં. બોલવાની મઝા નહોતી આવતી. એટલે કહેવું હતું તો ઘણું, પણ પછી તરત પૂરું કરી નાખ્યું.”
ચંદ્રવદન સાથે વાત કરવામાં ઔપચારિક રહીએ તો તે તેમને ગમે નહિ. ચંદ્રવદનભાઈ’ કહીએ તો પણ લઢે. મિત્ર તરીકે જ તેઓ વાત કરવા ચાહે. તેઓ મારા કરતાં ઉંમરમાં પચીસ વર્ષ મોટા હતા. પરિચય થયા પછી શરૂશરૂમાં મેં એમને એક પત્ર લખ્યો હતો અને સંબોધન તરીકે પિતાતુલ્ય શ્રી ચંદ્રવદનભાઈ” એમ લખ્યું હતું. એમણે એ પત્રનો જવાબ ન આપ્યો... મળ્યા ત્યારે મને ધધડાવ્યો. મારા ઉપર ચિડાઈને કહે : “આવું કેમ લખો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org