________________
८४
વંદનીય હૃદયસ્પર્શ ચોકસાઈ માટેની ભૃગુરાયની ચીવટ ઘણી. એમની સૂક્ષ્મ નજરમાંથી કશું છટકે નહિ. ગુજરાતી વિષયના કોઈ સારા અધ્યાપકને જેમાં એક પણ છાપભૂલ ન જણાય એવું પુસ્તક જો ભૃગુરાયને આપ્યું હોય તો તેમાં તેઓ પચીસ ભૂલ બતાવે-અનુસ્વાર, અલ્પવિરામ, અર્ધવિરામ, હ્રસ્વ કે દીર્ઘ ઈ કે ઉં, ઊંધી માત્રા અને સીધી માત્રા, જોડાક્ષર અને ખોડાક્ષર, ડેશ અને હાઇફન, કૌંસ અને પાદનોંધ, ખોટા ટાઈપ અને મોટા ટાઈપ... આ તો માત્ર મુદ્રણની ભૂલો. શબ્દપસંદગી અને વાક્યરચનાની ભૂલોની વાત તો વળી જુદી.
ભૃગુરાયનો સ્વભાવ અત્યંત નિખાલસ, ક્યારેક બીજાને માઠું લાગે એટલા સ્પષ્ટવક્તા પણ ખરા. પરંતુ એમના સ્પષ્ટવસ્તૃત્વમાં અસત્ય, પૂર્વગ્રહ, દંશ કે દ્વેષ ન હોય. હોય તો હિતચિંતા માત્ર વ્યવહારદક્ષતાની એમને ખબર પડી જતી, પણ પોતે એનાથી દૂર ભાગતા. પોતે નાગર હતા, છતાં ખુશામતખોરીનો કહેવાતો નાગરી ગુણ એમણે મેળવ્યો નહોતો તો કેળવ્યો ક્યાંથી હોય ? એટલે શોભાસ્થાન, સત્તા, પૈસા કે પ્રસિદ્ધિ માટે તેઓ
ક્યારેય યાચક બનતા નહિ. તેઓ ધૂની હતા, પણ તરંગી નહિ. આવેગપૂર્વક કોઈ વાત કહેવી હોય તો તેઓ હોઠ બીડી, મૂઠી વાળીને બંને હાથ જોરજોરથી છાતી પાસે હલાવે; પરંતુ ત્યારે એમની એક મૂઠીમાં તર્ક હોય અને બીજીમાં હોય ઔચિત્ય. એમના રોષમાં પણ સાત્ત્વિકતા ઉપર તરતી દેખાઈ આવે. ભૃગુરાય વિદ્યાર્થીવત્સલ હતા. તેઓ અંગ્રેજીના અધ્યાપક હતા પણ કૉલેજમાં સ્વેચ્છાએ બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગ લે અને બી.એ.ના વિદ્યાર્થીને પોતાના અધ્યાપનના વિષયમાં એમ.એ. જેટલા સજ્જ કરે; પૂરતો સમય આપે અને ઘરે પણ બોલાવે. ઘરે ભણવા આવેલા વિદ્યાર્થીને બે દાદર ઊતરી બસસ્ટેન્ડ સુધી ક્યારેક વળાવવા જાય. એમની સાથે વાત કરતાં હોઈએ ત્યારે એમના ચહેરા ઉપર ક્યારેય સમયની સભાનતા કે અન્યમનસ્કતા જોવા નહિ મળે. એમનાં પત્ની સુધાબહેન જાણતાં કે ભૃગુરાય કોઈની સાથે વાત કરવા ઊભા હશે તો વેળાસર ઘરે નહિ આવી પહોંચે. ભૃગુરાયની આ પ્રકૃતિનો લાભ મને ઘણી વાર મળ્યો છે. ક્યારેક ફાર્બસ સભા પાસે, ક્યારેક યુનિવર્સિટીના દરવાજા પાસે કે ક્યારેક ત્રિપાઠી કંપની આગળના સિગ્નલ પાસે કલાકો ઊભા રહીને અમે વાતો કરી હશે. એ ત્રણ-ચાર કલાકમાં એમની પાસેથી ઘણુંબધું જાણવા મળે. જ્યારે હું સાંજે ઘરે ધાર્યા કરતાં બેત્રણ કલાકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org