Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૭
પ્રમાણે દુઃખના અભાવમાં સુખની હસ્તી પણ રહેતી નથી. (૭) યોગ દર્શનની દૃષ્ટિએ મોક્ષ
યોગમત મુજબ માનવમાત્રનાં દુઃખોનું મૂળ કારણ પ્રકૃતિ તથા પુરુષનો સંયોગ છે. પુરુષનાં બંધનનું કારણ ચિત્તવૃત્તિ સાથેનો તેનો સંયોગ છે. આ બંધનમાંથી પુરુષે મુક્તિ મેળવવી હોય તો ચિત્તવૃત્તિનો નિરોધ થવો જોઈએ. ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી પુરુષને નિજરૂપનું ભાન થાય છે અને પરિણામે દુઃખનિવૃત્તિ થાય છે. માટે કૈવલ્યપ્રાપ્તિ અર્થે જીવે દેહ, ઇન્દ્રિયો તેમજ મનની ક્રિયાઓ ઉપર નિયંત્રણ મૂકી ચિત્તવૃત્તિઓને અટકાવવાની છે. કાર્યચિત્તનો નાશ થતાં ચિત્ત શુદ્ધ કારણાવસ્થા પ્રાપ્ત કરે છે અને પુરુષને પોતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી જુદો શુદ્ધ, મુક્ત, અમર અને સ્વયંપ્રકાશિત છે તેવું ભાન થાય છે. યોગ દર્શનમાં કૈવલ્યને જીવનનું પરમ ધ્યેય માનેલ છે. કૈવલ્ય એટલે પુરુષના પ્રયોજન વિનાના ગુણો (ઇન્દ્રિયનાં કાર્યો)નું પાછું ફરવું અથવા જ્ઞાનશક્તિનું પોતાના જ સ્વરૂપમાં સ્થિર બનવું તે. (૮) પૂર્વ મીમાંસા દર્શનની દૃષ્ટિએ મોક્ષ
પ્રાચીન પૂર્વ મીમાંસા દર્શન મોક્ષને માનતું નથી. તેના મત પ્રમાણે સ્વર્ગ એ સંપૂર્ણ સુખપ્રાપ્તિનું સ્થાન છે. અર્વાચીન મીમાંસા દર્શન પ્રમાણે મોક્ષમાં આત્મા શરીર, ઇન્દ્રિય, મન વગેરે બધાં બંધનોથી મુક્ત થાય છે અને એક વાર એ બંધનોનો નાશ થવાથી ફરી તે સંસારચક્રમાં ફસાતો નથી. શરીર, ઇન્દ્રિય તેમજ મનથી પૃથક થવાથી મુક્ત આત્મામાં ચૈતન્યનો વાસ રહેતો નથી અને પરિણામે તે સુખ-દુઃખના અનુભવથી પર રહે છે. પૂર્વ મીમાંસા દર્શનમાં મોક્ષ અવસ્થાને નિષેધાત્મક રીતે, તમામ સુખ તથા દુઃખ ઉભયથી રહિત વર્ણવવામાં આવેલ છે. પૂર્વ મીમાંસા પ્રમાણે મોક્ષ અવસ્થામાં આનંદની પ્રાપ્તિ થતી નથી. મોક્ષમાં આત્મા સુખ-દુઃખથી પર બની તેના યથાર્થ સ્વરૂપમાં રહે છે. મોક્ષ અવસ્થામાં જ્ઞાનશક્તિ તો રહે છે, પણ જ્ઞાન નથી રહેતું. (૯) વેદાંત દર્શનની દૃષ્ટિએ મોક્ષ
શાંકર વેદાંત જીવાત્મા અને બ્રહ્મના ઐક્યભાવની ઉપલબ્ધિને મોક્ષ માને છે. પરમાર્થથી આત્મા બહ્મ જ છે. આત્મા વિશુદ્ધ સત, ચિત્ અને આનંદસ્વરૂપ છે. બંધ મિથ્યા છે અને તેનું કારણ અવિદ્યા છે. મોક્ષ આત્માની સ્વાભાવિક અવસ્થા છે. એ ન ચૈતન્યરહિત અવસ્થા છે અને ન માત્ર દુઃખના અભાવની અવસ્થા છે; પણ તે વિશુદ્ધ સત, ચિત્ અને આનંદની બાહ્મી અવસ્થા છે. 'નિર્વિશેષ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સ્વપ્રકાશ, ચિન્માત્ર, બહ્મ હું જ છું' એવું જીવને ભાન થતાં અવિદ્યા (અજ્ઞાન) દૂર નાસી જાય છે અને પોતે બદ્ધ છે તેવો જીવનો ભ્રમ દૂર થાય છે. એ જ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org